દક્ષિણ એશિયન બ્રિટિશરો માટે વારસાઇ ટેક્સ માથાનો દુઃખાવો બન્યો

સિસ્ટમની જટિલતાના કારણે પરિવારોને વારસાઇ ટેક્સમાં ગતાગમ જ પડતી નથી

Tuesday 27th June 2023 13:49 EDT
 
 

લંડનઃ યુકેમાં ઘણા દક્ષિણ એશિયન પરિવારો વારસાઇ ટેક્સના પડકારોનો સામનો કરી રહ્યાં છે. આ પરિવારોમાં જ્યારે ધનવાન પિતાનું નિધન થાય છે ત્યારે તેમને સમજ નથી પડતી કે શું કરવું.. 25 વર્ષીય એસેટ મેનેજરના પિતાનું થોડા વર્ષ પહેલાં નિધન થયું હતું. તેઓ કહે છે કે સિસ્ટમ એટલી બધી જટિલ છે કે શું કરવું તેની સમજ પડતી નથી. પિતાના નિધનના કારણે આ એસેટ મેનેજર અત્યારે સંભવિત વારસાઇ ટેક્સ અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. 1970ના દાયકામાં યુગાન્ડામાંથી દેશનિકાલ થયા પછી આ એસેટ મેનેજરના પિતા પણ 40,000 એશિયનોની સાથે બ્રિટન આવીને વસ્યા હતા. પહેલાં તો તેમણે પોસ્ટ ઓફિસની ચેઇન ઊભી કરી અને ત્યારબાદ વધેલી આવકનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું. નિધન પહેલાં તેમણે સંખ્યાબંધ રેન્ટલ પ્રોપર્ટી પત્નીના નામે કરી દીધી હતી જેથી વારસાઇ ટેક્સ ચૂકવવો ન પડે પરંતુ ઘણા દક્ષિણ એશિયનો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

સેફરી ચેમ્પનેસના પાર્ટનર લ્યૂસી વૂડવર્ડ કહે છે કે યુકેમાં આવીને વસેલી દક્ષિણ એશિયનોની પ્રથમ પેઢી વારસાઇ ટેક્સ અંગે એટલી જાગૃતિ ધરાવતી નહોતી જેટલી બ્રિટિશરો ધરાવતા હતા. 1950થી 1970ના દાયકામાં બ્રિટન આવેલા દક્ષિણ એશિયનોએ નાના બિઝનેસો શરૂ કરીને સંપત્તિનું સર્જન કર્યું પરંતુ રિઅલ એસ્ટેટમાં તેમના દ્વારા કરાયેલું રોકાણ જ તેમના વારસો માટે પડકાર બની રહ્યું છે.

હાલ એવી સ્થિતિ છે કે બ્રિટિશ ભારતીયો અને બ્રિટિશ પાકિસ્તાની શ્વેત બ્રિટિશરો કરતાં પણ વધુ સંપત્તિની માલિકી ધરાવે છે. બાંગ્લાદેશી પણ તેમાં પાછળ નથી. છેલ્લા એક વર્ષમાં સરકારને વારસાઇ ટેક્સમાંથી 7.1 બિલિયન પાઉન્ડની આવક થઇ છે. જે અગાઉના વર્ષ કરતાં 1 બિલિયન પાઉન્ડનો વધારો દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter