લંડનઃ દક્ષિણ એશિયન મહિલાઓને ગર્ભાવસ્થાના સમય દરમિયાન માર્ગદર્શન આપવા માટે સ્થાનિક હોસ્પિટલ ટ્રસ્ટ અને લેસ્ટર યુનિવર્સિટી દ્વારા જનમ નામની નવી મોબાઇલ એપનો પ્રારંભ કરાયો છે. આ એપનો પ્રારંભ કરવામાં કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિસિયન અને ગાયનેકોલોજિસ્ટ પ્રોફેસર એન્જી દોષાણીએ યોગદાન આપ્યું છે. આ એપ સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ માહિતીને ગુજરાતી. પંજાબી, ઉર્દુ, બંગાળી અને હિન્દીમાં ભાષાંતર કરી આપે છે.
આ એપમાં ડાયાગ્રામ જેવી તસવીરો દ્વારા મદદ કરાય છે અને મેડિકલ પ્રોસિજર તથા ટ્રીટમેન્ટના વીડિયો પણ સમાવવામાં આવ્યા છે. લેસ્ટર યુનિવર્સિટી અને લેસ્ટર એનએચએસ ટ્રસ્ટના નિષ્ણાતો દ્વારા આ મોબાઇલ એપ્લિકેશનની ડિઝાઇન તૈયાર કરાઇ છે. તેઓ કહે છે કે દક્ષિણ એશિયન મહિલાઓને મેટરનિટી સેવાઓની પુરતી માહિતી હોતી નથી તેથી તેમનામાં મૃત્યુદર ઊંચો રહે છે. અમને આશા છે કે આ એપ દ્વારા મળતી માહિતીથી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય નિર્ણય લઇ શકશે.

