દર પાંચમાંથી બે વિદેશી હેલ્થ વર્કર્સ યુકે છોડવાની તૈયારીમાં

એન્ટિ-ઇમિગ્રન્ટ નિવેદનોથી વિદેશી હેલ્થ વર્કર્સમાં અસુરક્ષાની લાગણી

Tuesday 21st April 2026 12:09 EDT
 
 

લંડન: બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) માટે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. યુકેમાં કાર્યરત દર પાંચમાંથી બે વિદેશી હેલ્થ વર્કર્સ એટલે કે અંદાજે 40 ટકા યુકે છોડવાનું વિચારી રહ્યા છે. એન્ટી ઇમિગ્રન્ટ નિવેદનો અને સરકારની કડક વિઝા નીતિઓને કારણે વિદેશી આરોગ્ય કર્મચારીઓમાં અસુરક્ષાની લાગણી જન્મી રહી છે.

અગ્રણી યુનિયન યુનિસન દ્વારા લગભગ 1,900 આંતરરાષ્ટ્રીય હેલ્થ પ્રોફેશનલ્સ પર કરવામાં આવેલા સર્વેમાં નીચે મુજબની વિગતો બહાર આવી છે. 43 ટકા વિદેશી આરોગ્ય કર્મચારીઓ બ્રિટન છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છે. 25 ટકા કર્મચારીઓ પોતાને બ્રિટનમાં અસ્વીકાર્ય માને છે, જ્યારે 20 ટકાએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકાર દ્વારા સેટલમેન્ટના નિયમોમાં ફેરફાર અને વિઝા ફીમાં વધારાને કારણે કર્મચારીઓ તેમના પરિવારના ભવિષ્યને લઈને ચિંતિત છે.

યુનિસનના હેલ્થ હેડ હેલ્ગા પાઈલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વિદેશી કુશળ કામદારો વિના યુકેની આરોગ્ય અને કેર સેવાઓ સંપૂર્ણપણે પડી ભાંગશે. આ લોકોનું સન્માન થવું જોઈએ, નહીં કે તેમનું શોષણ. તે આઘાતજનક છે કે જે લોકો આપણી સેવા કરે છે, તેઓ જ અહીં અસુરક્ષિત અનુભવે છે.

એકેડેમી ઓફ મેડિકલ રોયલ કોલેજના અધ્યક્ષ જેનેટ ડિક્સને પણ સરકારના વલણની ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, ઇમિગ્રેશન અંગેનો સરકારનો અભિગમ યુકેની છબી રેસિસ્ટ તરીકે ઉભી કરી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો સરકાર પોતાની નીતિઓમાં સુધારો નહીં કરે, તો NHSમાં સ્ટાફની અછત વધુ ઘેરી બનશે, જેની સીધી અસર બ્રિટનની જનતાની સારવાર પર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter