લંડનઃ સેન્ટર ફોર માઇગ્રેશન કન્ટ્રોલ અને રિફોર્મ યુકેના પૂર્વ સાંસદ રૂપર્ટ લોવે સરકારને દર વર્ષે 4,00,000 માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવા વિનંતી કરી છે. તેમનો દાવો છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માસ ડિપોર્ટેશન પ્રોગ્રામથી દેશ પ્રતિ વર્ષ 10 બિલિયન પાઉન્ડની બચત કરી શકશે.
સેન્ટરે ભલામણ કરી છે કે હોમ ઓફિસે 15000 ડિટેન્શન સેન્ટર તૈયાર કરવા જોઇએ અને બ્રિટનની સરહદોની સુરક્ષા માટે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં વધારાની નિયુક્તિઓ કરવી જોઇએ.
સેન્ટર ફોર માઇગ્રેશન કન્ટ્રોલના રોબર્ટ બેટ્સ અને લોવે નવા રિસર્ચ પેપરમાં દલીલ કરી છે કે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન છે અને આ પ્રકારની નીતિ દેશના હિતમાં રહેશે. તેમણે અન્ય દેશો સાથે રિટર્ન્સ એગ્રિમેન્ટ કરવા, જે દેશ ગેરકાયદેસર માઇગ્રન્ટને પરત લેવાનો ઇનકાર કરે તેમના પર આકરી પેનલ્ટી લગાવવાની પણ ભલામણ કરી છે.
બેટ્સે જણાવ્યું હતું કે, હાલ દેશમાં વ્યવસ્થા ભાંગી પડી છે. ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવા કેવી અસરકારક યોજના કામ કરી શકે તેની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે. આપણી જાહેર સેવાઓ પર ભારે દબાણ સર્જી રહેલા મોટી સંખ્યામાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને સહાય કરવાનું આપણને પોષાય તેમ નથી. આપણે તેમ કરવું જોઇએ પણ નહીં. યુકેમાં પરવાનગી વિના આવેલા લોકો બ્રિટિશ જનતાની સુરક્ષા પર પણ ધમકીરૂપ છે.
લોવે જણાવ્યું હતું કે, આ રિસર્ચ દર્શાવે છે કે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સના સામુહિક દેશનિકાલથી બ્રિટિશ જનતાને મોટાપાયે આર્થિક લાભ થશે. અમે આ રિસર્ચ હોમ ઓફિસને આપી રહ્યાં છે.