દર વર્ષે સમુદ્રમાં ફેંકાતું ૮ ટન પ્લાસ્ટિક!

Wednesday 11th August 2021 05:25 EDT
 
 

લંડનઃ યુકેના પરિવારોમાં દર વર્ષે પ્લાસ્ટિકની ૩૦ બિલિયન બોટલ્સ વપરાશમાં લેવાય છે તેમાંથી માત્ર ૫૭ ટકાનું જ રિસાઈકલિંગ હાલ કરાય છે. આમાંથી અડધોઅડધ જમીનમાં પુરાણતરીકે વપરાય છે અને રિસાઈકલ્ડ કરાયેલી બાકીની પ્લાસ્ટિક બોટલ્સ વેસ્ટ-કચરામાં જાય છે. દર વર્ષે ૮ ટન અથવા તો દર મિનિટે એક ટ્રકલોડના હિસાબે પ્લાસ્ટિક દરિયામાં પધરાવાય છે. દરરોજ આશરે ૭૦૦,૦૦૦ બોટલ કચરામાં ફેંકાય છે. આનું કારણ એ છે કે બોટલ્સ પર પ્લાસ્ટિકનું આવરણ મોટા ભાગે રિસાઈકલ કરી શકાય તેવું હોતું નથી.

ચિંતાની બાબત એ છે કે વિશ્વના સમુદ્રોમાં પ્લાસ્ટિક કચરો વધી રહ્યો છે તેમાં મોટા ભાગનો હિસ્સો આ બોટલ્સનો છે. સંશોધકો ચેતવણી આપે છે કે દર વર્ષે ૮ ટન અથવા તો દર મિનિટે એક ટ્રકલોડના હિસાબે પ્લાસ્ટિક દરિયામાં પધરાવાય છે. એક રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે વિશ્વમાં પ્લાસ્ટિકની રિસાઈકલિંગનું પ્રમાણ વધારવા એક્શન નહિ લેવાય તો ૨૦૫૦ સુધીમાં સમુદ્રોમાં માછલી કરતાં પ્લાસ્ટિક કચરાનું પ્રમાણ વધી જશે. અત્યારનું પ્રમાણ જળવાશે તો ૨૦૫૦માં પ્રતિ મિનિટ ચાર ટ્રકલોડ પ્લાસ્ટિક કચરો દરિયામાં ફેંકાશે. સંશોધનોના પ્રાપ્ય અંદાજો મુજબ તો સમુદ્દોના પેટાળમાં હાલ ૧૫૦ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિક સંગ્રહાયેલું છે.

એલન મેક્આર્થર ફાઉન્ડેશનનો રિપોર્ટ જણાવે છે કે પ્લાસ્ટિક પેકેજિંગનો ૬૫થી ૯૨ બિલિયન પાઉન્ડના મૂલ્યનો અકલ્પનીય ૯૫ ટકા હિસ્સો એક વખતના વપરાશ પછી અર્થતંત્રને ઉપયોગી રહેતો નથી. પ્લાસ્ટિકનું પ્રદૂષણ ધરતીની દરિયાઈ અને ભૂમિગત ઈકોસિસ્ટમ્સનો નાશ કરી રહ્યું છે. દરિયાતટો પર તે ખડકાતું રહે છે, પ્રાણીઓને ઈજા પહોંચાડે છે અને પશુ-પ્રાણીની સમગ્ર વસ્તીને ગુંગળાવે છે. દર વર્ષે દરિયામાં એટલું પ્લાસ્ટિક પધરાવાય છે કે તેનાથી પૃથ્વી ગ્રહની કોસ્ટલાઈનના પ્રત્યેક ફૂટને પાંચ કેરિયર બેગ્સ ભરી શકાય. સમુદ્રોમાં જે પ્લાસ્ટિક કચરો ફેંકાય છે તેમાંથી અડધોઅડધથી વધુ હિસ્સો તો માત્ર ચીન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ અને શ્રીલંકામાંથી જ આવે છે. પ્લાસ્ટિકના પ્રદૂષણ ફેલાવનારા મુખ્ય દેશોની યાદીમાં એકમાત્ર ઔદ્યોગિક પાશ્ચાત્ય દેશ યુએસએ છે જે ૨૦મા ક્રમે આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter