લંડનઃ બ્રિટિશરો દર વર્ષે ૪.૮ બિલિયન ન્યૂસન્સ કોલ્સ સહન કરે છે. એક્સિડન્ટ્સ, ઊર્જા બચત, સફાઈ, લાઈફસ્ટાઈલ સર્વે અને ઘરમાં સુધારાઓ સહિતના ન્યૂસન્સ કોલનું પ્રમાણ વધી રહ્યું છે. આના પરિણામે, ન્યૂસન્સ કોલ અને ટેક્સ્ટ સંદેશા મોકલતી કંપનીઓને નવા વર્ષમાં એક મિલિયન પાઉન્ડથી વધુના દંડ થવાની ચેતવણી ઈન્ફર્મેશન કમિશનર ઓફિસ દ્વારા અપાઈ છે.
ઓફકોમના અંદાજ અનુસાર યુકેના ગ્રાહકો દર વર્ષે આશરે ૪.૮ બિલિયન ન્યૂસન્સ કોલ્સ, ૧.૭ બિલિયન લાઈવ સેલ્સ કોલ્સ, ૧.૫ બિલિયન સાઈલન્ટ કોલ્સ, ૯૪૦ મિલિયન રેકોર્ડેડ સેલ્સ મેસેજીસ અને ૨૦૦ મિલિયન અર્ધવચ્ચે બંધ કરાતા કોલ્સનો મારો સહન કરે છે. ICOને ગયા વર્ષમાં ન્યૂસન્સ કોલ્સ અને ટેક્સ્ટ્સ મેળવનારા લોકો તરફથી ૧૭૦,૦૦૦ ફરિયાદો મળી હતી.


