લંડનઃ કરીને બ્રિટનની ફેવરિટ ડિશ ગણવામાં આવે છે ત્યારે એક જ સપ્તાહમાં કરી હાઉસના બે બિઝનેસીસ બંધ કરાતાં હોવાની સ્થિતિ સર્જાઈ છે. કરી હાઉસના પરંપરાગત રસોઈઆ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની શોપ્સ બંધ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનથી આવેલાં પ્રથમ પેઢીના રેસ્ટોરાં માલિકો હવે નિવૃત્તિને પસંદ કરી રહ્યા છે. આગામી વર્ષોમાં કરી હાઉસો બંધ થતાં રહેશે તો ૩૩,૦૦૦ લોકો નોકરી ગુમાવે તેવો ભય પણ વ્યક્ત કરાય છે.
બ્રિટનના સૌથી જાણીતા માલિકોમાં ગણનાપાત્ર સંજય માંઝુએ ૨૦૧૪માં જ તેમના ૧૪ અશોક રેસ્ટોરાંમાંથી ચાર રેસ્ટોરાં વેચી નાખ્યા હતા. તેઓ કહે છે કે,‘હવે સંજોગો મુશ્કેલ થઈ રહ્યાં છે. હું હવે વધુ ભારતીય રેસ્ટોરાં ખોલું તે શક્ય નથી. લોકો વર્લ્ડ બુફેમાં જવાનું પસંદ કરે છે કારણ કે તે સસ્તાં છે. મોટાં બિઝનેસીસની સ્પર્ધા કરવી અમારા માટે શક્ય નથી. ભારતીય રેસ્ટોરાં હજુ સારું કમાય છે પરંતુ સ્પર્ધા ભારે છે. મારા માટે કહું તો હું બધા રેસ્ટોરા વેચી દઈ ધંધો આટોપી લેવા માગું છું.’
રેસ્ટોરાં ઉદ્યોગના નિષ્ણાતો રેસ્ટોરાં બંધ થવા માટે ઈમિગ્રેશન નિયમોને દોષ આપી રહ્યા છે. આ નિયમો યુરોપીય યુનિયનની બહારથી ઓછાં વેતનના વર્કરોની સંખ્યા મર્યાદિત બનાવે છે. ઈયુ બહારના શેફ કે રસોઈયાએ યુકે વિઝા મેળવવા માટે £૨૯,૫૫૦ની કમાણી કરવી જરૂરી છે.