લંડનઃ બ્રિટિશરો મોટા ભાગે બટાકા પર જ જીવન ગુજારે છે છતાં દરરોજ લાખો બટાકાનો બગાડ કરવામાં પણ પાછું વળીને જોતા નથી. ગ્રાહકો રોજ ખરીદે છે તેના લગભગ અડધોઅડધ બટાકા કચરામાં ફેંકે છે. દૈનિક ૫.૮ મિલિયન બટાકા એટલે કે સપ્તાહના ૪૦ મિલિયનથી વધુ બટાકાનો બગાડ થાય છે. આ બગાડની વાર્ષિક કિંમત ૨૩૦ મિલિયન જેટલી થવા જાય છે.
બ્રિટિશ પરિવારો દર વર્ષે ૧.૭ મિલિયન ટન બટાકા ખરીદે છે. ગ્રાહકો બટાકાને કચરામાં ફેંકે નહિ તે માટે ખરીદારોને પ્રોત્સાહિત કરવા ‘સેવ અવર સ્પડ્સ’ અભિયાન આરંભાયું છે. બટાકાનો યોગ્ય સમયમાં ઉપયોગ ન થવાથી પોચા પડી જાય, તે ફણગાવા લાગે અથવા તેમાં લીલાં ડાઘા પડે છે. જોકે, મોટા ભાગના કિસ્સામાં કાળજીપૂર્વકના સંગ્રહ અથવા ફણગી ગયાં હોય ત્યાંથી કાપીને પણ બટાકાનો ઉપયોગ કરી શકાય છે. બટાકાને પેકિંગમાંથી કાઢી ફ્રીજમાં સૌથી તળિયે મૂકવા ન જોઈએ. તેને કાપડની બેગમાં રાખી ૬ સે.થી વધુ તાપમાનના ઠંડા અંધારા સ્થળે રાખવા જોઈએ.
નોટ ફોર પ્રોફિટ ગ્રૂપ WRAPના જણાવ્યા અનુસાર બ્રિટિશ પરિવારો દર વર્ષે ૭ મિલિયન ટન ફૂડનો બગાડ કરે છે એટલે કે એક પરિવાર વર્ષે ૭૦૦ પાઉન્ડનું ફૂડ કચરામાં નાખે છે.


