દરેક દિવસ સેવાનો દિવસ બનાવીએઃ SEWA Dayનો નવો થીમ

Friday 23rd September 2016 07:28 EDT
 
 

લંડનઃ ભારતીય કોમ્યુનિટીની ડાયરીમાં SEWA Dayની રાહ જોવાતી હોય છે, જેણે હવે સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે સમગ્ર યુકેમાં ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ સેવા ડે ઉજવાશે. ગત સપ્તાહે સેવા ડેના ટ્રસ્ટીઓએ સેન્ટ્રલ લંડનમાં આયોજિત SEWA Pioneers Awards માં પ્રેરણારુપ પ્રોજેક્ટ્સની ઉજવણી કરી હતી, જેમાં શાળાઓ અને કોમ્યુનિટી ગ્રૂપ્સ દ્વારા રજૂ કરાયેલા અનોખા પ્રોજેક્ટ્સને બિરદાવાયા હતા.

SEWA Dayના સ્થાપક અને ટ્રસ્ટી મનોજ લાડવાએ મહેમાનોને આવકારતા કહ્યું હતું કે, ‘ચેરિટી સંસ્થાઓ મોટા ભાગે નાણા માગે છે. નાણાનું ખરેખર મહત્ત્વ પણ છે. પરંતુ, દર વર્ષે સેવા ડેના એક દિવસે અમે વધુ કિંમતી એવા તમારા સમયની માગણી કરીએ છીએ. તમારો સમય મુશ્કેલી અથવા દુઃખગ્રસ્ત લોકો માટે થોડી ખુશી આપી શકશે, સ્થાનિક પર્યાવરણીય પ્રોજેક્ટમાં મદદ કરશે, તમે માનતા હો તેવા અંગદાન જેવા ઉમદા ઉદ્દેશનું કેમ્પેઈન કરી શકશો અથવા સ્થાનિક ફૂડ બેન્કને સપોર્ટ પણ કરી શકશો.’ લોકો ‘સેવા’ને દિનચર્યાનો હિસ્સો બનાવે તે માટે પ્રોત્સાહિત કરવા મનોજ લાડવાએ ‘Everyday is SEWA Day’નો નવો થીમ જાહેર કર્યો હતો.

ગત છ વર્ષના ગાળામાં ૧૦૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો ૨૦,૦૦૦ વૃક્ષ વાવવા, સ્થાનિક ફૂડ બેન્ક માટે ૨૦૦ ટનથી વધુ ખોરાક એકત્ર કરવાથી માંડી સ્થાનિક નર્સિંગ હોમના રંગરોગાન સહિતના કાર્યોમાં જોડાતા સમગ્ર વિશ્વની કોમ્યુનિટીઓમાં ‘સેવા ડે’ની અસર અનુભવાઈ હતી. ગત વર્ષે માત્ર, યુકેમાં જ લોકોએ ૧૫૦થી વધુ સેવા પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો.

આ વર્ષના નિર્ણાયકગણના અધ્યક્ષ અને સાંસદ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘કોમ્યુનિટીમાં ચાલતા અનેક ‘સેવા’કાર્યોથી મને પ્રેરણા મળી છે. હું સેવા ડે અને તેની તેજસ્વી નેતાગીરીને અભિનંદુ છું. તમે વાસ્તવમાં એક તફાવત સર્જ્યો છે. હું આ વર્ષે અને આવનારા વર્ષોમાં સેવા ડેને સપોર્ટ કરવા આતુર છું.’ અન્ય નિર્ણાયકોમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના ડિરેક્ટર શુચિતા સોનાલિકા અને સેવા ઈન્ટરનેશનલના ચેરમેન ભારત વડુકુલનો સમાવેશ થયો હતો.

ઈસ્કોનના ગૌરી દાસે સેવાનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતા તેમણે સાધુત્વની દીક્ષા લીધી તે યુવાનીના સમયને યાદ કર્યો હતો, જ્યારે સ્નેહ અને સમર્પણથી સેવા થતી હતી. ‘ગુજરાત સમાચાર/ એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી પટેલે એક કોમ્યુનિટી એવોર્ડ એનાયત કરતી વેળા સેવા ડેના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે,‘સેવા ડે તો કોમ્યુનિટીની સેવા જ છે.’ તેમણે ૧૬ ઓક્ટોબરે સેવા ડેની પ્રવૃત્તિઓમાં સામેલ થવાં કોમ્યુનિટી સંસ્થાઓને અનુરોધ કર્યો હતો.

દર વર્ષે સેવા ડેમાં ભાગ લેતી સંસ્થા વિમેન્સ એમ્પાવર્ડની અધ્યક્ષા કાઉન્સિલર રીના રેન્જરે આ કાર્યક્રમનું યજમાનપદ સંભાળ્યું હતું. વિજેતાઓમાં બરહામ પ્રાઈમરી સ્કૂલ, NHSF માન્ચેસ્ટર, વેદ લંડન, ડ્રિફિલ્ડ સ્કૂલ, વેસ્ટલોજ પ્રાઈમરી, NHSF એક્સટર, NHSF હર્ટફોર્ડ-શાયર અને યંગ લોહાણા સોસાયટીનો સમાવેશ થયો હતો. સેવા ડેથી પ્રભાવિત અને પ્રેરિત નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ અને યંગ લોહાણા સોસાયટીએ ‘Everyday is SEWA Day’નો થીમ અપનાવી આ વર્ષે કોમ્યુનિટી સર્વિસ પ્રવૃત્તિના સેવા સપ્તાહમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી.

BAPSના સૌથી યુવાન ટ્રસ્ટી સંજય કારા, નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ મા પ્રમુખ યુજુર શાહ, સિટી હિન્દુઝ નેટવર્કના અધ્યક્ષ પ્રિનલ નથવાણી, અવન્તિ સ્કૂલ ટ્રસ્ટના ઉષા સાહની, સેવા ડેના ટ્રસ્ટી આનંદ વ્યાસ અને નેહરુ સેન્ટરના ડિરેક્ટર શ્રીનિવાસ ગોટ્રુ સહિત સમાજના અગ્રણીઓના હસ્તે એવોર્ડ્સ એનાયત કરાયાં હતાં.

SEWA Dayનું સંચાલન યુવા અને ઉત્સાહી કાર્તિક દવે, હર્ષિણી પટેલી, કૃષ્ણ લાડવા, સુરભિ જોષી, માયા પટેલ અને અવની વ્યાસની ટીમ દ્વારા થાય છે. કોમ્યુનિટી જૂથો આયોજન કરી શકે અથવા ભાગ લઈ શકે તેવા પ્રેરણાદાયી અને ઈનોવેટિવ પ્રોજેક્ટ્સની માહિતી મેળવવા કે તેની સાથે જોડાવા www.sewaday.org ની મુલાકાત લઈ શકો અથવા સેવા ડે ટીમને [email protected]ને ઈમેઈલ પણ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter