લંડનઃ સમગ્ર ઈંગ્લેન્ડમાં મે મહિનાના આરંભથી જન્મેલા તમામ બાળકોને મેનિન્જાઈટીસ-બીની મફત રસી આપવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં દર વર્ષે મેનિન્જાઈટીસ-બીના આશરે ૧,૮૭૦ કેસ જોવા મળે છે. જેમાંથી ૧૨૦ના મોત થાય છે અને અન્ય ૪૦૦ બાળકને બ્રેઈન ડેમેજ, એમ્પ્યુટેશન (અંગવિચ્છેદ) અને અંધાપા સહિત આજીવન અક્ષમતાનો ભોગ બનવું પડે છે. આ રોગથી બાળકોનાં મોત થઈ રહ્યાં હોવાની ચેતવણી આપતી ચેરિટીઝના દબાણના પગલે રસીકરણનો નિર્ણય લેવાયો હતો. યુકે તમામ બાળકોને વેક્સીન ઓફર કરનારો વિશ્વમાં પ્રથમ દેશ બનશે.
બાળકોને જીવલેણ મેનિન્જાઈટીસ-બી રોગની મફત રસી આપવામાં ખર્ચ સંબંધે ભારે વિવાદના કારણે નિર્ણય લેવામાં ૧૭ મહિનાનો વિલંબ થયો છે. ઈંગ્લેન્ડમાં પહેલી મે પછી જન્મેલા તમામ બાળકોને ત્રણ રસી આપવાનો કોર્સ પૂરો કરવામાં આવશે. આ રોગ પાંચ વર્ષથી નીચેના બાળકો અને તરુણોને વધુ અસર કરે છે. જોઈન્ટ કમિટી ઓન વેક્સીનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશનની સલાહકાર વિજ્ઞાનીઓને પેનલે બાળકોને રસી આપવી જોઈએ તેવી ભલામણ માર્ચ ૨૦૧૪માં કરી હતી. પરંતુ રસી સસ્તા દરે મળે તે માટે સરકારે ડ્રગ્સ ઉત્પાદકો સાથે વાટાઘાટોમાં એક વર્ષનો સમય કાઢી નાખ્યો હતો. એમ મનાય છે કે રસીના પ્રત્યેક ઈન્જેક્શન માટે £૨૦નો દર નક્કી કરાયો છે. રાષ્ટ્રવ્યાપી વેક્સીનેશન કાર્યક્રમ આગામી સપ્તાહથી શરુ કરાશે.
દર વર્ષે આશરે ૮૦૦,૦૦૦ બાળકો બ્રિટિશ કંપની ગ્લેક્સોસ્મિથક્લાઈનની બેક્સેરો વેક્સીન મેળવવાને પાત્ર બનશે. પ્રથમ રસી બીજા મહિને, તે પછી ચોથા મહિને અને ત્રીજી રસી ૧૨થી ૧૩મા મહિને અપાશે. મેનિન્જાઈટીસ-બી રસીથી બાળકોને થોડા દિવસ તાવ આવી શકે છે, પરંતુ પેરાસિટામોલથી તેની સારવાર થઈ શકશે.