લંડન
બ્રિટનમાં વસતા તમામ સમાજના બાળકોમાં જુગાર (ગેમ્બલિંગ)નું દુષણ વ્યાપક બની રહ્યું છે. ગેમ્બલિંગ કમિશનને જણાયું છે કે સેકન્ડરી સ્કૂલના દરેક વર્ગમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી જુગારની લત ધરાવે છે. 11થી 16 વર્ષની વયજૂથના 3.5 ટકા એટલે કે દર 29 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી જુગારની લતમાં સપડાયેલો છે. જુગારની લતમાં સપડાયેલા બાળકો પોતાની જાત પર નિયંત્રણ ધરાવતા નથી અને નકારાત્મક પરિણામોનો ભોગ બને છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સગીરો કરતાં સગીરાઓમાં જુગારનું પ્રમાણ વધુ છે. છેલ્લા બે વર્ષમાં જુગારની લતમાં સપડાનારા બાળકોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. ગેમ્બલિંગ કમિશન દ્વારા હાથ ધરાયેલા સરવે અનુસાર 0.9 ટકા સગીરા અને 0.7 ટકા સગીરો જુગારના બંધાણી બની ગયાં છે. 11થી 16 વર્ષની વયજૂથના આ જુગારીઓ પૈકીના 33 ટકા જુગાર રમવા માટે પોતાના નાણાનો ઉપયોગ કરે છે. 14માંથી એક બાળક સપ્તાહમાં એકવાર બેટિંગ કરે છે. 22 ટકા આર્કેડ ગેમિંગ મશીનના બંધાણી છે. 15 ટકા બાળકો મિત્રો અથવા તો પરિવારના સભ્યો સાથે નાણા માટે શરતો લગાવે છે જ્યારે પાંચ ટકા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે પ્લેઇંગ કાર્ડનો જુગાર રમે છે. દર 50માંથી એક બાળક 18 વર્ષની વયમર્યાદા હોવા છતાં લોટરીની ટિકિટ ખરીદીને જુગાર રમે છે.
માતા-પિતાની કુટેવોની બાળકો પર સીધી અસર પડે છે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માતા-પિતાની જુગાર રમવાની આદત બાળકો પર સીધી અસર કરી રહી છે. 14માંથી એક બાળકે જણાવ્યું હતું કે, તેમના માતા-પિતાને જુગાર રમતા જોઇને તે જુગાર રમવા લાગ્યો હતો. ઘરમાં જુગારના કારણે માતાપિતા વચ્ચે તણાવ અને ઝગડા પણ થતાં હોય છે.


