લંડનઃ લોકો ધૂમ્રપાન કરતા બંધ થાય તે માટે સાંસદોએ દરેક સિગારેટ પર ‘સ્મોકિંગ કિલ્સ’ ચેતવણી પ્રિન્ટ કરવાની દરખાસ્ત મૂકી છે. પાર્લામેન્ટમાં મૂકાયેલા હેલ્થ એન્ડ કેર બિલમાં ગ્રાફિક હેલ્થ વોર્નિંગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ છે તેમાં પણ સાંસદોએ સુધારો રજૂ કર્યો છે.
ધૂમ્રપાનની જીવલેણ આદત છોડવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે સાંસદોએ હેલ્થ એન્ડ કેર બિલમાં સુધારાઓ રજૂ કર્યા છે. લેબર સાંસદ મેરી કેલી ફોયે સુધારો રજૂ કર્યો છે કે દરેક સિગારેટ પર ‘સ્મોકિંગ કિલ્સ’ ચેતવણી પ્રિન્ટ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ‘આપણે જાણીએ છીએ કે સિગારેટ્સ કેન્સર સ્ટિક્સ છે અને તેનો ઉપયોગ કરતા અડધોઅડધ લોકોને મારી નાખે છે. આથી, સિગારેટ પર મૂકાનારી ચેતવણી લોકોને અને ખાસ કરીને યુવા વર્ગને ધૂમ્રપાન કરવાની લાલચથી અટકાવશે.’ તેમના અન્ય સુધારામાં સિગારેટ ખરીદવાની કાનૂની વય ૧૮ વર્ષથી વધારી ૨૧ વર્ષ કરવા, બાળકોને ઈ-સિગારેટના ઉપયોગથી આકર્ષવાનું બંધ કરાવવા, મફત સેમ્પલ તરીકે ઈ-સિગારેટ આપવાનું ગેરકાયદે બનાવવાનો પણ સમાવેશ થાય છે.
કેન્સર રિસર્ચ યુકે અને હોસ્પિટલ ડોક્ટર્સની પ્રતિનિધિ રોયલ કોલેજ ઓફ ફીઝિશિયન્સ આ યોજનાને સમર્થન આપી રહ્યા છે. ફોય કહે છે કે માત્ર ‘હિંમતપૂર્ણ કાર્યવાહી’ જ ૨૦૩૦ સુધીમાં માત્ર પાંચ ટકા લોકો જ ધૂમ્રપાન કરતા હોય તેમ ઈંગ્લેન્ડને સ્મોક-ફ્રી કરવાની સરકારની મહત્ત્વાકાંક્ષાને હાંસલ કરી શકશે. હાલ સિગારેટ્સના પેકેટ પર ‘સ્મોકિંગ કોઝીસ કેન્સર’ જેવા ચેતવણીજનક સંદેશા તેમજ ધૂમ્રપાન સંબંધિત રોગોથી હોસ્પિટલમાં ગંભીર બીમાર લોકોની ઈમેજીસ મૂકવામાં આવે છે.
ટોબેકો ફર્મ્સને પેકેટ્સની અંદર પણ હેલ્થ વોર્નિંગ્સ મૂકવાની ફરજ પાડવી જોઈએ તેમ સાંસદ ફોય માને છે. કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન તેમજ શેડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશવર્થ અને શેડો જસ્ટિસ સેક્રેટરી એલેક્સ કનિંગહામ સહિતના સાંસદોએ ફોયના સુધારાને ટેકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ૪૦ વર્ષ અગાઉ તત્કાલીન હેલ્થ મિનિસ્ટર જ્યોર્જ યંગ દ્વારા દરેક સિગારેટ પર ચેતવણી મૂકવાનું સૂચન કરાયું હતું પરંતુ, તેનો ભારે વિરોધ થયો હતો.


