લંડનઃ એનએચએસ દ્વારા ટાઇપ ટુ ડાયાબિટિસના દર્દીઓની સારવાર માટે ઓઝેમ્પિક કરતાં લગભગ 20 ટકા વધુ અસરકારક દવાને મંજૂરી આપવામાં આવી છે. ટિર્ઝેપાટાઇડને આરોગ્ય સેવામાં ઉપયોગ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (નાઇસ) દ્વારા લીલી ઝંડી આપવામાં આવ્યા બાદ હવે ટાઇપ ટુ ડાયાબિટીસ ધરાવતા 1,80,000 લોકોને ફાયદો થઈ શકે છે.
ઓઝેમ્પિકના એક્ટિવ ઇનગ્રેડિયન્ટ સેમાગ્લુટાઇડની જેમ ટિર્ઝેપાટાઇડનું ઇન્જેક્શન સપ્તાહમાં એકવાર લેવું પડે છે પરંતુ તે હાલની દવાઓની જેમ ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે એક રેસિપ્ટરને ટાર્ગેટ કરવાને બદલે ટિર્ઝેપાટાઇડ ઇન્સ્યુલિનના સેક્રેશનને વધારવા બે રિસેપ્ટરને ટાર્ગેટ કરતી પ્રથમ દવા છે.
આ દવાની ટ્રાયલ દરમિયાન 81થી 97 ટકા લોકોમાં સરેરાશ બ્લડ સુગર લેવલ નોર્મલ રેન્જમાં ઘટ્યું હતું. નાઇસનો દાવો છે કે અન્ય કોઇપણ દવાની સરખામણીમાં આ દવા આંકડાકીય રીતે નોંધપાત્ર પ્રભાવી રહી હતી.
કોરોના વેરિઅન્ટ પિરોલાનો સામુદાયિક પ્રસાર થઇ રહ્યો હોવાની ચેતવણી
કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ BA.2.86, અથવા "પિરોલા" પ્રસરી રહ્યો છે. એક કેર હોમમાં આ વેરિઅન્ટના સંખ્યાબંધ કેસ મળી આવ્યાની ચેતવણી યુકે હેલ્થ એન્ડ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ આપી છે. ઓમિક્રોનનો આ સબ-વેરિઅન્ટ સૌપ્રથમ ડેનમાર્કમાં 24 જુલાઈના રોજ મળી આવ્યો હતો અને પ્રથમ કેસ 13 ઓગસ્ટના રોજ યુકેમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં પિરોલા સંક્રમણના 34 કેસ મળી આવ્યા છે, જેમાં નોર્ફોકના કેર હોમમાં 28 કેસનો સમાવેશ થાય છે, જેના કારણે પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ વેરિઅન્ટના કારણે હજુ સુધી કોઇ મોત નોંધાયું નથી. નોંધાયેલા દર્દીઓ તાજેતરમાં કોઇ પ્રકારનો પ્રવાસ ઇતિહાસ ધરાવતા નથી જે સૂચવે છે કે કોરોનાનો આ વેરિઅન્ટ હવે સમુદાયમાં ફેલાઈ રહ્યો છે.
યુકેએચએસએ જણાવ્યું હતું કે પીરોલા વધુ ખતરનાક છે અથવા બ્રિટનમાં હાલ પ્રવર્તમાન કોરોનના વેરિઅન્ટ્સ પર તે હાવી થશે તેવા કોઈ પુરાવા નથી, પરંતુ બૂસ્ટર રસી માટે લાયક હોય તેવા લોકોને રસી લઇ લેવાની અપીલ કરવામાં આવે છે.


