લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક એનએચએસમાં વેઇટિંગ પીરિયડ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ડોક્ટરોને તેમના દર્દીઓને સારવાર માટે થોડે દૂર જવા અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલના વિકલ્પ આપવાની ફરજ પડાશે. ડોક્ટરે તેમના દર્દીને પાંચ હોસ્પિટલના વિકલ્પ આપવા પડશે જેમાંથી દર્દી એનએચએસની એપનો ઉપયોગ કરીને પોતાની પસંદગીની હોસ્પિટલ નક્કી કરી શકશે. આ વિકલ્પ અંતર, જે તે હોસ્પિટલના વેઇટિંગ પીરિયડ અને સારવારની ગુણવત્તાના આધારે નક્કી કરી શકાશે.
એનએચએસ દ્વારા પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કઇ હોસ્પિટલમાં સારવાર માટે જવું તેની પસંદગીનો અધિકાર દર્દી પાસે છે. અમે આશા રાખીએ છીએ કે ડોક્ટરો તેમના દર્દીઓને વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. હાલમાં 10માંથી ફક્તએક જ દર્દી આ અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. એક રિસર્ચ પ્રમાણે પસંદગીના વિકલ્પ દ્વારા વેઇટિંગ પીરિયડમાં 3 મહિનાનો સમય ઘટાડી શકાય છે.
એનએચએસમાં રજિસ્ટર્ડ દર્દીઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે કોઇ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. ઓછી આવક ધરાવતા દર્દીઓ હાલમાં અમલી એવી સ્કીમ દ્વારા ટ્રાવેલિંગના ખર્ચમાં પણ મદદ મેળવી શકશે.