લંડનઃ એનએચએસ ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં દર્દીઓને સેકન્ડ ઓપિનિયનનો અધિકાર આપતો માર્થા રૂલ અમલમાં આવશે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ પણ માર્થા રૂલને સમર્થન આપ્યું છે. બુધવારે બાર્કલેએ મેરોપ મિલ્સ સાથે મુલાકાત કરી હતી. મિલ્સે તેમની 13 વર્ષીય દીકરી માર્થાને અપાતી સારવાર મુદ્દે ડોક્ટરો સમક્ષ ચિંતાઓ વ્યક્ત કરી હતી. સાઇકલ પરથી પડી જવાના કારણે માર્થાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. તેને પેન્ક્રિઆસમાં સાધ્ય ઇજા થઇ હતી પરંતુ થોડા દિવસ બાદ તેનું મોત થયું હતું.
કિંગ્સ કોલેજ હોસ્પિટલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, માર્થાને બચાવવામાં નિષ્ફળતા માટે અમે અત્યંત દિલગીર છીએ. અમારે તેના માતાપિતાની રજૂઆતો પર ધ્યાન આપવાની જરૂર હતી. જો તેની સારી રીતે કાળજી લેવાઇ હોત તો તેને બચાવી શકાઇ હોત. બાર્કલેએ જણાવ્યું હતું કે હું જેમ બને તેમ ઝડપથી માર્થા રૂલ અમલમાં લાવવા માગુ છું.


