લંડનઃ ઓછી લાયકાત ધરાવતા બે તબીબો ડો. એરોલ કોર્નિશ અને ડો. નદીમ અઝીઝે દર્દીને બચાવી શકાય તેવા પાયાના પગલા નહિ લેવાથી તેમની નજર સામે જ તંદુરસ્ત યુવાન મહિલા અને શિક્ષિકા ફ્રાન્સેસ કાપ્પુસિની બાળકને જન્મ આપી મોતને ભેટી હતી. આ બે તબીબો ‘સંપૂર્ણ અનપેક્ષિત અને ટાળી શકાય’ તેવા મોત માટે જવાબદાર હોવાની રજૂઆત ઈનર લંડન ક્રાઉન કોર્ટ સમક્ષની ટ્રાયલમાં કરવામાં આવી છે. આ ટ્રાયલમાં NHS ટ્રસ્ટને પણ આરોપીના પિંજરામાં ખડા રહેવું પડશે. આક્ષેપો પછી ડો. અઝીઝ પાકિસ્તાન નાસી જતા માત્ર ડો. કોર્નિશ સામે કાર્યવાહી ચાલે છે. ટ્રસ્ટ અને ડો. કોર્નિશે આરોપો નકારી કાઢ્યા છે. કોર્પોરેટ મેનસ્લોટરનો કાયદો ૨૦૦૮માં અમલી થયા પછી પ્રથમ વખત NHS ટ્રસ્ટ સામે તેનો ઉપયોગ થયો છે.
બાળકોમાં ‘મિસિસ કોફી’ નામથી લોકપ્રિય ૩૦ વર્ષીય ફ્રાન્સેસ કાપ્પુસિની બીજા બાળક માટે ડીલિવરી કરાવવા કેન્ટની પેમ્બરી હોસ્પિટલમાં આઠ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે દાખલ થઈ હતી. નવ ઓક્ટોબરે સિઝેરિયન ઓપરેશનથી બાળકનો જન્મ કરાવાયા પછી તેને ભાનમાં લાવવાની જવાબદારી સીનીયર કન્સલ્ટન્ટ એનેસ્થેટિસ્ટ ડો. એરોલ કોર્નિશ અને તેમના સાથી ડો. નદીમ અઝીઝના હાથમાં હતી. શ્વાસ લેવામાં ભારે તકલીફના પરિણામે કાપ્પુસિનીને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. દર્દી ફરીથી શ્વાસ લેતી થાય તેવાં તાકીદના પગલાં ભરવામાં બન્ને ડોક્ટર નિષ્ફળ રહ્યા હતા અને તેમણે નિષ્ણાત મદદની માગણી પણ કરી ન હતી. ડો. અઝીઝે વેન્ટિલેટરની પાઈપ કાઢી નાખી મેન્યુઅલ ફેસ માસ્ક લગાવી શ્વાસોચ્છવાસ શરૂ કરાવવા પ્રયત્નો કર્યા હતા. જોકે, આ કાર્ય સફળ ન થતાં દર્દીનું મોત થયું હતું.
લેન્ડમાર્ક કેસમાં NHS ટ્રસ્ટ સામે બંનેમાંથી એક પણ ડોક્ટર કામગીરી માટે યોગ્ય નહિ હોવાનું જાણવા છતાં બે એનેસ્થેટિસ્ટને નોકરીએ રાખવા બદલ કોર્પોરેટ મેનસ્લોટરનો આરોપ લગાવાયો છે. મેઈડસ્ટોન અને ટનબ્રિજ વેલ્સ NHS ટ્રસ્ટે ગંભીર બીમાર દર્દીઓની સારવાર માટે પૂરતા ક્વોલિફાઈડ, તાલીમબદ્ધ અને અનુભવી ડોક્ટરોને કામે નહિ રાખવાનો આરોપ છે. ડો. કોર્નિશ સાઉથ આફ્રિકાના છે અને ડો. અઝીઝે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાંથી તબીબી ડીગ્રી મેળવી છે.


