લંડનઃ યુકેમાં દવાઓના વેચાણ માટે લાયસન્સ મેળવવા દવાઓની ગુણવત્તાને વિપરિત અસર કરવા અને દવાઓની સેલ્ફ લાઇફ વધારવા માટે ખોટો ડેટા આપવા માટે કેપ્પિન લિમિટેડના પૂર્વ ડિરેક્ટર કમલેશ વાઘજિયાની અને તેમની કંપનીને સજા ફટકારવામાં આવી છે. માર્કેટિંગ લાયસન્સ મેળવવા માટે યુકેમાં એમએચઆરએને ખોટો ડેટા આપવા માટે કોઇ કંપનીને સજા કરાઇ હોય તેવી આ પ્રથમ ઘટના છે.
કમલેશ વાઘજિયાનીને લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા બે અપરાધ માટે આઠ અને સાત મહિના કેદની સજા ફટકારવામાં આવી છે. આ બંને સજા તેમણે એકસાથે ભોગવવાની રહેશે. વાઘજિયાની અને કેપ્પિન લિમિટેડને 50,000 પાઉન્ડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ પહેલાં તેમને 10,75,589 પાઉન્ડનો કન્ફિસ્કેશન ઓર્ડર ચૂકવવાનો પણ આદેશ અપાયો હતો. કેપ્પિન લિમિટેડને પ્રોસિક્યુશન કોસ્ટ પેટે 82,262 પાઉન્ડ ચૂકવવા પડશે.