દવામાં બેફામ ભાવવધારોઃ કંપની NHSને £૮ મિલિયન ચૂકવશે

Wednesday 21st August 2019 05:07 EDT
 
 

લંડનઃ જીવનરક્ષક દવા પરની મોનોપોલી ગેરકાયદે ટકાવી રાખવાના આક્ષેપની પતાવટ માટે સાઉથ આફ્રિકાની દવા ઉત્પાદક કંપની આસ્પેન ફાર્માકેર NHSને ૮ મિલિયન પાઉન્ડ ચૂકવશે. આ કંપનીએ તે દવાની કિંમત પાંચ પેન્સથી વધારીને એક પાઉન્ડ કરી દીધી હતી. વોચડોગ કોમ્પિટીશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) NHS માટે આ પ્રથમ વખત રકમ મેળવશે. કિંમતમાં ભારે ઉછાળા બાબતે CMA અન્ય છ ડ્રગની તપાસ કરી રહી છે.

વોચડોગે આરોપ લગાવ્યો હતો કે અન્ય કંપનીઓને બજારમાં ટકવા ન દેવા આસ્પેન ફાર્માકેરે ફ્લુડ્રોકોર્ટિસન ૧૦૦ એમજી ટેબ્લેટનો ભાવ વધાર્યો હતો. એડ્રીનલ ગ્રંથિઓ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરી ન શકે તેવા દુર્લભ જીવલેણ રોગ એડિસન્સ ડિસીઝની સારવાર માટે હજારો દર્દી આ ટેબ્લેટનો ઉપયોગ કરે છે.

આ દવાનો ૧૦૦ ટેબ્લેટનો ૫.૦૫ પાઉન્ડ ભાવ વધીને ૩૦ ટેબ્લેટ માટે ૩૦ પાઉન્ડ થયો ત્યારે આસ્પેન જ આ દવા માટે સમગ્ર યુકેમાં એકમાત્ર સપ્લાયર હતી. ભાવવધારાથી NHSના ખર્ચમાં ત્રણ વર્ષમાં ૩૦.૯ મિલિયન પાઉન્ડનો વધારો થયો હતો. અન્ય હરીફ કંપનીઓને બજારમાંથી ખસી જવા અને તેઓ આ દવા જેવી બીજી દવા બનાવી ન શકે તે માટે નાણાં ચૂકવવાનો આરોપ પણ આસ્પેન પર મૂકાયો હતો.

કંપનીએ ઓક્ટોબર ૨૦૧૬માં અન્ય ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી ફ્લુડ્રોકોર્ટિસન ૧૦૦ એમજીના વિકલ્પ તરીકેની નવી દવાની ખરીદી બાબતે કોમ્પિટીશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) દ્વારા ચાલતી તપાસની પતાવટ માટે NHSને આઠ મિલિયન પાઉન્ડ ચૂકવવાની ઓફર કરી છે. આસ્પેને ખોટું કર્યાની કબૂલાત કરી નથી. પરંતુ, આ દવાના એક વર્ઝનનું ઓથોરાઈઝેશન અન્ય કંપનીને વેચી યુકેમાં ઓછામાં ઓછા બે સપ્લાયર હોય તે સુનિશ્ચિત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter