દશેરા અને બતુકમ્મા ઉત્સવ દરમિયાન બે બ્રિટિશ ભારતીયો પર હુમલો

25 તોફાનીઓના જૂથે મારામારી કરી ઇજા પહોંચાડી

Tuesday 27th October 2026 10:01 EDT
 

લંડનઃ વેસ્ટ યોર્કશાયરના ઓસેટ સ્થિત ટાઉન હોલમાં દશેરા અને બતુકમ્મા ઉત્સવ દરમિયાન બે બ્રિટિશ ભારતીય તેલુગુ હિન્દુ પુરુષો પર હુમલો થયો હતો. શનિવારે રાત્રે બનેલી આ ઘટના પાછળ રંગભેદ જવાબદાર હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આ હુમલો 17 ઓક્ટોબરના રોજ ઓસેટ ટાઉન હોલની બહાર થયો હતો જ્યાં સ્થાનિક તેલુગુ હિન્દુ સમુદાયના જૂથો દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘટનાના પહેલાં, આશરે 25 સ્થાનિક અશ્વેત અને શ્વેત યુવાનોનું એક જૂથ ઇ-બાઇક પર આવીને ટાઉન હોલની બહાર ચક્કર લગાવી રહ્યું હતું અને અંદર શું ચાલી રહ્યું છે તેની પૂછપરછ કરી રહ્યું હતું. આમાંથી કેટલાક યુવાનોએ બળજબરીથી અંદર ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા.

પીડિતોમાંના એક 51 વર્ષીય બ્રિટિશ ભારતીય વ્યક્તિ કાર્યક્રમમાંથી બહાર નીકળીને પોતાના મિત્ર સાથે કાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન યુવાનોના જૂથે તેમને ઘેરી લીધા હતા. પીડિતે જણાવ્યું હતું કે, તેમણે અમારા બંને પર હુમલો કરી દીધો હતો. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઈન્સ્પેક્ટર એન્ડ્રુ ડિકિન્સને જણાવ્યું હતું કે, અમે હિન્દુ સમુદાયની ચિંતા અને પીડાને સમજીએ છીએ. અમે આ હુમલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને દોષિતોને સજા અપાવવા માટે કામ કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter