દાઉદના સાથી જાબીર સિદ્દિકની પૂછપરછ માટે ભારતની માગણી

Wednesday 24th July 2019 02:40 EDT
 

લંડનઃ મુંબઈના ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમની સૌથી નિકટના સાથી જાબીર સિદ્દિક ઉર્ફ મોતીવાલાને સાઉથવેસ્ટ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં રખાયો છે ત્યારે ભારતને તેની પૂછપરછ કરવા દેવાય તેવી વિનંતી મંજૂર થવાની આશા છે. આ પૂછપરછના પગલે દાઉદની પાકિસ્તાનમાં હાજરી તેમજ તેના દ્વારા ભારતમાં ચલાવાતા ડ્રગ્સ અને ખંડણી વસૂલીની નેટવર્ક અંગે પુરાવા પણ મળશે. જોકે, પાકિસ્તાન દાઉદ કરાચી કે અન્યત્ર હોવાનો સતત ઈનકાર કરી રહ્યું છે. ભારત દ્વારા સિદ્દિકની પૂછપરછથી દાઉદ ફરતે ગાળીયો મજબૂત થશે. ડ્રગ્સ દાણચોરી, ખંડણીની વસૂલી, બ્લેકમેઈલ અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ સિદ્દિકનું અમેરિકાને પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી ૨૨ જુલાઈએ થવાની હતી તે હવે ૧૩ ઓગસ્ટે કરાવામાં આવશે.

ભારતીય સલામતી એજન્સીઓએ જાબીરની પૂછપરછ માટે બ્રિટનને ડોઝિયર સોંપ્યું છે, જે મુજબ તે દાઉદના સૌથી નજીકના સાથીઓમાં એક હોવા સાથે કરાચીસ્થિત ઈસ્લામ બાબા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટમાં દાઉદ, તેની પત્ની, તેનો પુત્ર અને બે જમાઈ પણ ટ્રસ્ટી છે. ભારતીય સલામતી એજન્સીઓએ આ ટ્રસ્ટને ડી-કંપનીની સંપત્તિઓના સંચાલન માટે ધાર્મિક ઓઠારૂપ ગણાવ્યું છે. દાઉદના કરાચીસ્થિત ભવ્ય નિવાસની હાજુમાં જ સિદ્દિકની પ્રોપર્ટીઓ આવેલી છે.

સિદ્દિકની પૂછપરછ માટે ભારતીય એજન્સીઓ અમેરિકન એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સંપર્કમાં પણ છે. અમેરિકન એજન્સીઓના કહેવાથી સ્કોટલેન્ડ યાર્ડે ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સિદ્દિકની ધરપકડ કરી હતી. ૫૩ વર્ષીય સિદ્દીક ડોન દાઉદના વિશ્વસનીય સાથીઓમાં એક છે, જેને પાકિસ્તાન, વેસ્ટ એશિયા તેમજ એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોમાં દાઉદના રોકાણ અને બનાવટી કંપનીઓની સંપૂર્ણ માહિતી છે. ભારતીય એજન્સીઓના જણાવ્યા અનુસાર સિદ્દિકની ધરપકડ થઈ તે પહેલા તેણે એન્ટિગુઆ, સેન્ટ કિટ્સ, નેવિસના નાગરિકત્વ તેમજ તેના પરિવાર માટે હંગેરીમાં કાયમી નિવાસ પ્રાપ્ત કરવાના પ્રયાસો કર્યા હતા.

ઈસ્લામાબાદને કરાચીમાં દાઉદની હાજરી વિશે પર્દાફાશથી સૌથી મોટો ભય તેની પ્રવૃત્તિ તેમજ પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે તેના ગાઢ સંપર્કો ખુલ્લા થઈ જવાનો છે. આના કારણે સુનાવણીના પ્રથમ દિવસે જ લંડનસ્થિત પાકિસ્તાન હાઈ કમિશને પત્ર દ્વારા હસ્તક્ષેપ કરતા કોર્ટને જણાવ્યું હતું કે સિદ્દિક પાકિસ્તાની પાસપોર્ટ સાથે જાણીતો બિઝનેસમેન છે. તેની માનસિક સ્થિતિ સારી નથી અને ૨૦૦૮થી ડિપ્રેશનથી પીડાય છે તેવાં કારણો દર્શાવી સિદ્દિકના વકીલોએ પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter