લંડનઃ લોર્ડ ભીખુ પારેખે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય મૂળના પ્રથમ સાંસદ દાદાભાઈ નવરોજીને ‘આદર્શ ડાયાસ્પોરિક સિટિઝન’ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. લોર્ડ પારેખે ૧૯ ઓક્ટોબરે ઝોરોસ્ટ્રીઅન સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે દાદાભાઈએ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીમાં જોડાઈ ૧૮૯૨માં પાર્લામેન્ટની બેઠક પર વિજય મેળવ્યો હતો.
કન્ઝર્વેટિવ અને લિબ ડેમ્સ ગઠબંધન સરકાર રચી ત્યારે ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર નિક ક્લેગે યુકે-ભારત સંબંધોના નિર્માણમાં મદદ કરનારાઓની કદર કરવા કોમર્સ, કલ્ચર અને એજ્યુકેશન કેટેગરીમાં દાદાભાઈ નવરોજી એવોર્ડની જાહેરાત કરી હતી. ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની ઉપસ્થિતિમાં ૧૮ ઓક્ટોબર, ૨૦૧૪ના દિવસે બ્રિટિશ ભારતીય ડાયસ્પોરાના રિસેપ્શનમાં એવોર્ડ એનાયત કરાયા પછી ત્રણ વર્ષ સુધી કોઈને એવોર્ડની જાહેરાત કરાઈ નથી.
વિદ્વાન અને બિઝનેસમેન દાદાભાઈ નવરોજી જાહેર જીવનમાં જોડાયા હતા અને સેન્ટ્રલ ફિન્ચલીની પાર્લામેન્ટરી બેઠક પર માત્ર પાંચ મતની નજીવી સરસાઈથી વિજય મેળવ્યો હતો. તેમના વિરુદ્ધ પ્રચાર કરતા લોર્ડ સેલિસબરીએ એવી ટીપ્પણી કરી હતી કે દેશ હજુ ‘અશ્વેત વ્યક્તિ’ને ચૂંટવા તૈયાર નથી.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા લોર્ડ પારેખે જણાવ્યું હતું કે, ‘દાદાભાઈ સાથે ત્રણ રીતે સંકળાયાનો દાવો હું કરી શકું છું. તેઓ મારા જન્મસ્થળથી થોડા જ માઈલ દૂર જન્મ્યા હતા. તેઓ યુનિવર્સિટી કોલેજ લંડનમાં ગુજરાતીના પ્રોફેસર હતા અને આ ભાષા મારી માતૃભાષા છે. છેલ્લે, તેઓ એક વર્ષથી વધુ સમય માટે બરોડા સ્ટેટના દીવાન રહ્યા હતા, જ્યાં હું એક સમયે યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર હતો.’
પાર્લામેન્ટના સભ્ય તરીકે દાદાભાઈની નિયુક્તિ વિશે બોલતા લોર્ડ પારેખે જણાવ્યું હતું કે, ‘ભારત અને બ્રિટનમાં દાદાભાઈ નવરોજીને આદર અને સન્માન પ્રાપ્ત થયા છે તે ઘણા ઓછાં ભારતીયો મેળવી શક્યા છે. બ્રિટનમાં તેઓ સૌપ્રથમ ભારતીય સાંસદ તરીકે અને ભારતમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના એક સ્થાપક તરીકે માન ધરાવે છે. વાસ્તવિક રીતે તો દાદાભાઈ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ ભારતીય સાંસદ ન હતા. આ સન્માન ભારતમાં જન્મેલા ડેવિડ ડાયસ સોમ્બ્રે ધરાવે છે, જેમના પિતા સ્કોટિશ અને ભારતીય મિશ્ર વંશના હતા અને માતા ફ્રેન્ચ અને ભારતીય વંશજ હતાં. દાદાભાઈ કરતા આશરે ૫૦ વર્ષ પહેલા સાંસદ બનેલા ભ્રષ્ટાચારી સોમ્બ્રેને પાર્લામેન્ટે એક વર્ષમાં જ ગેરલાયક ઠરાવ્યા હતા. દાદાભાઈ ભારતીય માતાપિતાનું સંતાન હોવાથી વંશીય દૃષ્ટિએ પ્રથમ ભારતીય સાંસદ હતા, જેમણે પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી હતી. તેઓ બાઈબલ નહિ પરંતુ, અવેસ્તા પર શપથ લેનારા પ્રથમ સાંસદ હતા.’
‘સાંસદ તરીકે દાદાભાઈએ સ્ત્રીઓનાં મતાધિકાર, વૃદ્ધો માટે પેન્શન, આયર્લેન્ડ માટે હોમ રુલ અને હાઉસ ઓફ લોર્ડ્સની નાબૂદી અને ભારતની આઝાદી જેવા મહત્ત્વપૂર્ણ ઉદ્દેશોને સમર્થન આપ્યું હતું. બ્રિટિશરો ભારતમાંથી સંપત્તિ લૂંટી તેને ખાલી કરતા હતા તે મુદ્દે પણ તેમણે રોષ ઠાલવ્યો હતો.’
ડાયાસ્પોરિક સિટિઝન તરીકે તેમના મૂળિયાં વિશે વાત કરતા લોર્ડ પારેખે ઉમેર્યું હતું કે,‘દાદાભાઈ ભારતીય ડાયસ્પોરાની પ્રથમ પેઢીના માણસ હતા. તેમનો જન્મ અને મૃત્યુ ભારતમાં જ થયા હતા, ત્યાંની જ ભાષા બોલતા હતા. તેઓ ભારતને ‘મદદ’ કે ‘ત્યાંના લોકોની સેવા’ કરવા ભારત ગયા ન હતા. તેઓ ભારતનો હિસ્સો હતા, તેને ચાહતા હતા અને તેના કલ્યાણમાં પોતાનો ફાળો આપવાને ફરજ સમજતા હોવાથી ભારત ગયા હતા. ડાયાસ્પોરિક નાગરિક કેવી રીતે બનવું તેની મૂંઝવણ ધરાવતા આપણા સહુ માટે આ મોટો સંદેશો છે.’