પ્રિન્સ હેરીએ ગયા વર્ષે શાહી ફરજોમાંથી મુક્ત થવાનો ઈરાદો જાહેર કર્યો તે બાબતે ક્વીનને અંધારામાં રાખ્યા હોવાનો ઈનકાર કર્યો હતો. હેરીએ ઓપ્રાહને જણાવ્યું હતું કે ‘હું કદી દાદીમાને અંધારામાં રાખી શકું નહિ. મને ૯૪ વર્ષના દાદીમા માટે ભારોભાર આદર છે.’ઓપ્રાહે પ્રશ્ન કર્યો કે તો પછી આવી વાત કેવી રીતે બહાર આવી ત્યારે હેરીએ જણાવ્યું હતું કે કદાચ ઈન્સ્ટિટ્યુશનમાંથી આ વાત ફેલાઈ હોઈ શકે.
જોકે, હેરીએ એમ પણ જણાવ્યું હતું કે દાદીમાને કોઈએ ખરાબ સલાહ આપી ત્યારે તેમણે હેરી સાથે રુબરુ મુલાકાતનું આયોજન રદ કરી નાખ્યુ તેનું ભારે દુઃખ પણ છે. સાન્ડ્રિન્ઘામ ખાતે સસેક્સ દંપતીની શાહી કામગીરી છોડવા બાબતે વિગતો ઘડાઈ રહી હતી.
મારો નાણાકીય બહિષ્કાર કરાયોઃ હેરી
હેરીએ જણાવ્યું હતું કે મારા પરિવારે મને નાણાકીય રીતે તદ્દન બહાર કરી દીધો હતો. પ્રિન્સે જણાવ્યું હતું કે હેરીએ એમ પણ કહ્યું હતું કે સિક્યુરિટી માટે ચૂકવણી કરવાની હોવાથી તેને કેનેડા છોડવાની અને નેટફ્લિક્સ અને સ્પોટિફાય સાથે મલ્ટિમિલિયન ડોલર્સના ડીલ્સ કરવાની ફરજ પડી હતી કારણકે પ્રિન્સેસ ડાયેનાએ આપેલા વારસાની રકમો ખર્ચાઈ રહી હતી અને રાજપરિવાર બિલ્સ ચૂકવવા મેગન એક્ટિંગ ચાલુ રાખે તેમ ઈચ્છતો હતો.
મારા પરિવારના સભ્યો કહેતા હતા કે મેગન માટે પૂરતાં નાણા ન હોવાથી મેગને અભિનય ચાલુ રાખવો જોઈએ. અમે લગ્ન કર્યા તે પહેલાથી જ એવાં લક્ષણો દેખાવા લાગ્યા હતા કે પરિવાર સાથે જીવન મુશ્કેલ બનવાનું છે. સૂત્રો અનુસાર હેરી મેગ્ઝિટ પછી પહેલી વાર આ ઉનાળામાં પરિવારને મળવા જવાની શક્યતા છે. મેગને તો કહ્યું છે કે તે અંગત અને વહેવારિક કારણોસર તેની સાથે નહિ જોડાય.


