દાદીના નિધને પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના સંબંધોમાં વ્યાપેલી કડવાશ દૂર કરી

પ્રિન્સ વિલિયમે જાતે ભાઇ અને પત્નીને આમંત્રણ આપી દાદી જેવી પુખ્તતા પ્રદર્શિત કરી

Wednesday 14th September 2022 05:19 EDT
 
 

લંડન

મેઘાન મર્કેલ સાથે વિવાહ બાદ ચાલેલા ઘટનાક્રમમાં પ્રિન્સ હેરી અને શાહી પરિવારના સંબંધોમાં ઘણી ખટાશ આવી ગઇ હતી. મેઘાન મર્કેલ દ્વારા સર્જાયેલા વિવાદોના કારણે પ્રિન્સ હેરી અને તેમના મોટાભાઇ તથા રાજગાદીના વારસ પ્રિન્સ વિલિયમના સંબંધોમાં આવેલી કડવાશ પણ જગજાહેર બની હતી પરંતુ દાદી મહારાણી એલિઝાબેથ બીજાના નિધને બંને ભાઇઓને નજીક લાવવામાં મોટી ભુમિકા ભજવી છે. બંને ભાઇઓ તેમની પત્નીઓ સાથે સ્વ. મહારાણીને એકસાથે શ્રદ્ધાંજલિ અર્પતાં નજરે પડ્યાં હતાં.

ચર્ચા ચાલી રહી છે કે પ્રિન્સ વિલિયમે વિન્ડસર કેસલની બહાર એકઠાં થયેલા લોકોને મળવા માટે પ્રિન્સ હેરીને આમંત્રણ આપ્યું હતું. કેસલના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિન્સ વિલિયમ માને છે કે રાજવી પરિવાર એકજૂથ છે તે દર્શાવવા આમ કરવું અત્યંત મહત્વનું હતું. પ્રિન્સ વિલિયમ, કેટ, પ્રિન્સ હેરી અને મેઘાન બે વર્ષ બાદ પહેલીવાર જાહેરમાં એકસાથે દેખાયાં હતાં. છેલ્લે 9 માર્ચ 2020ના રોજ કોમનવેલ્થ ડે ચર્ચ સર્વિસમાં આ બંને ભાઇઓ અને તેમની પત્નીઓ એકસાથે જાહેરમાં જોવા મળ્યાં હતાં.

શનિવારે બંને ભાઇઓ અને તેમની પત્નીઓએ સાથે મળીને કેસલમાં મૂકાયેલા ફૂલો અને બલૂન્સનું નિરિક્ષણ કર્યું હતું. આ માટે પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમે જાતે પ્રિન્સ હેરી અને મેઘાનને આમંત્રણ આપ્યું હતું. 40 મિનિટ એકસાથે ગુજારીને બંને ભાઇઓએ તેમની પત્નીઓ સાથે એક જ કારમાં રવાના થયાં હતાં. બંને યુગલે કેસલ ખાતે એકઠાં થયેલા લોકો સાથે કેટલોક સમય વાતો પણ કરી હતી.

 પ્રિન્સ હેરીના મિલિટરી યુનિફોર્મ પહેરવા પર પ્રતિબંધ લદાયો

કિંગ ચાર્લ્સ ત્રીજાના બીજા ક્રમના પુત્ર પ્રિન્સ હેરીને વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે બુધવારે યોજાનારી ક્વીન એલિઝાબેથ બીજા માટેની તમામ વિધિમાં હાજરી દરમિયાન મિલિટરી યુનિફોર્મ પહેરવા અંગે મનાઇ ફરમાવવામાં આવી છે પરંતુ કિંગ ચાર્લ્સના નાના ભાઇ પ્રિન્સ એન્ડ્રુને મિલિટરી યુનિફોર્મ પહેરવાની મંજૂરી અપાઇ છે. મેઘાન મર્કેલના મિત્ર અને પત્રકાર ઓમિડ સ્કોબીએ દાવો કર્યો છે કે ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ અફઘાનિસ્તાન યુદ્ધમાં ભુમિકા ભજવી હોવા છતાં મહારાણીના શોક દરમિયાન યોજાનારી દરેક વિધિ અને કાર્યક્રમમાં તેમના દ્વારા મિલિટરી યુનિફોર્મ પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter