લંડનઃ ક્વીન એલિઝાબેથે પ્રિન્સ હેરીને મનાવવા તેની સાથે ખુદ ટેલિફોન પર વાત કરવા નિર્ણય લીધો છે. તેઓ પ્રિન્સ હેરીને આગળ નહિ વધવા ઓલિવ બ્રાન્ચ ઓફર કરે તેમ જણાય છે. તેમણે ઓપ્રાહ વિન્ફ્રે સાથે ખુલ્લા દિલે વાતચીત કરતા સસેક્સ દંપતીના ઈન્ટરવ્યૂ પછી બચાવની સ્થિતિમાં આવી ગયેલા બકિંગહામ પેલેસના સ્ટાફને મૌન જાળવવાનો આદેશ આપ્યો છે. ક્વીનનું વલણ સમગ્ર ઝેરી અને ડહોળાયેલા વાંતાવરણને શાંત પાડવામાં મદદરુપ બનશે તેમ દરબારીઓને આશા છે.
રાજપરિવારની વાતો ખુલ્લી પાડનારા અને ફેમિલીમાં રંગભેદનો આક્ષેપ કરનારા બળવાખોર પૌત્ર પ્રિન્સ હેરીના રિસામણાં દૂર કરવા ૯૪ વર્ષીય ક્વીને ખુદ મોરચો સંભાળવા નિર્ણય લીધો છે અને આગામી દિવસોમાં તેઓ આગ ઠારવાં હેરી અને મેગન સાથે ફોન પર વાતચીત કરે તેવા અણસાર છે. ક્વીને ટેલિવિઝન ઈન્ટરવ્યૂ સંબંધે જાહેરમાં કોઈ જ ચર્ચા નહિ કરવા બકિંગહામ પેલેસના સ્ટાફને ‘ત્રણ લાઈનનો વ્હીપ’ ફરમાવ્યો છે.
ઈન્ટરવ્યૂ પછી બકિંગહામ પેલેસ દ્વારા નિવેદન જારી કરવા અગાઉ હેરી અને મેગનને માહિતગાર કરાયાં હતાં. જોકે, તે અધિકારીઓ દ્વારા જ કરાયું હતું પરંતુ, હવે ક્વીન વધુ અંગત અભિગમ અપનાવવાનો સમય આવી ગયો હોવાનું માને છે. તેમણે માત્ર ૬૧ શબ્દના ટુંકા નિવેદનમાં રેસિઝમ તેમજ હેરી-મેગનને કનડતા મુદ્દાઓનું ઘરમેળે સમાધાન લવાશે તેવો સંકેત પણ આપવા સાથે હેરી, મેગન અને આર્ચી પરિવારના લાડકાં સભ્યો હોવાનું પણ જણાવ્યું છે. પરિવારના અન્ય સભ્યો અને ખાસ કરીને પ્રિન્સ ઓફ વેલ્સ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ તેમના પર સસેક્સ દંપતીના પ્રહારોથી હતપ્રભ બની ગયા છે. પિતાએ મેગ્ઝિટ પછી હેરીના કોલ્સ ન લીધા તે સંદર્ભે તેણે પિતા તરફથી નિરાશ થયાનું કહ્યું છે. ભાઈ વિલિયમ સાથે સંબંધોમાં હજુ ખાઈ હોવાનું પણ કહ્યું છે. શાહી લગ્ન પણે કેટે તેને રોવડાવી હોવાના મેગનના આક્ષેપથી વિલિયમ પણ કચવાટમાં છે.
સસેક્સ દંપતીએ ગ્રાન્ડપેરન્ટ્સને ટીકાઓથી અને ખાસ કરીને રેસિઝમ મુદ્દે અળગાં રાખ્યાં છે અને ડચેસે ક્વીનની ઉદારતાની પ્રશંસા કરવાં સાથે અધિકારીઓની મદદ વિના જ સીધાં તેમની સાથે વાત કરી શકાતી હોવાનું પણ જણાવ્યું છે. હેરીએ ક્વીનને પોતાના ‘કર્નલ ઈન ચીફ’ ગણાવી શાહી ફરજો છોડવા બાબતે દાદીમાને અંધારામાં રાખ્યાનું નકાર્યું છે. શાહી સ્ટાફ વળતો જવાબ આપવા તત્પર છે પરંતુ, મહારાણીએ તેમને અટકાવી દીધા છે.














