લંડનઃ ડિમેન્શિયાથી પીડાતા ૭૪ વર્ષના ‘અનામી’ દાદીમાને તબીબોએ પાંચ દિવસમાં બે વખત વેક્સિન આપી દીધી ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ખરેખર ડિમેન્શિયા કોને થયો કહેવાય? આ તો દાદીમાને ત્રીજી વખતની એપોઈન્ટમેન્ટ આપી ત્યારે તેમની પાસે બે વેકિસન અપાયાના કાર્ડ મળી આવતા ભોપાળું બહાર આવ્યું હતું. દાદીમાને કોઈ આડઅસર થઈ નહિ પરંતુ, આવી ઘોર બેદરકારીથી પરિવારજનો રોષે અવશ્ય ભરાયા હતા.
ડિમેન્શિયાગ્રસ્ત ૭૪ વર્ષના દાદીમાને વૂલીચ લેટનાઈટ ફાર્મસી ખાતે એસ્ટ્રેઝેનેકા વેક્સિનનો પ્રથમ ડોઝ ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અપાયો હતો પરંતુ, પાંચ દિવસ પછી એટલે કે ૨૮ જાન્યુઆરીએ એ જ વેક્સિનનો બીજો ડોઝ ગ્રીનિચના પ્લમસ્ટીડ હેલ્થ સેન્ટર ખાતે અપાયો હતો. ડોક્ટરોએ માની લીધું હતું કે તેમનો પ્રથમ ડોઝ છે.
દાદીમાને પ્રથમ ડોઝ અપાયો ત્યાંથી બૂસ્ટર ડોઝ માટે ૧૧ એપ્રિલની તારીખ અપાઈ હતી અને તેમને ડોઝ આપવા બોલાવાયા અને બૂસ્ટર (વાસ્તવમાં ત્રીજો) ડોઝ અપાયા પછી ખબર પડી કે તેમને તો બીજો ડોઝ અપાઈ જ ગયો છે. દાદીમા તો તેમની ટુંકી યાદદાસ્તના કારણે ભૂલી ગયાં કે તેમને બે ડોઝ અપાયાં છે. આમ છતાં, દાદીમાએ તેમના બે વેક્સિનેશન કાર્ડ પણ રજૂ કર્યા હતા પરંતુ, વેક્સિન આપનારાએ સિસ્ટમમાં તપાસ જ કર્યા વિના ડોઝ આપી દીધો હતો.
આ વિસ્તારમાં GP સર્વિસીસનું સંચાલન કરતા સાઉથ ઈસ્ટ લંડનCCG દ્વારા કબૂલાત કરી હતી કે પેશન્ટને બીજો ‘પ્રથમ’ ડોઝ અપાયો ત્યારે તેમનું વેક્સિનેશન થઈ ગયાની કોઈને કલ્પના પણ ન હતી. નિષ્ણાતોએ પાંચ દિવસમાં બે વેક્સિન અપાયાથી કોઈ ખાસ જોખમ નહિ હોવાનું જણાવવા સાથે ઉમેર્યું હતું કે આડઅસરોના જોખમના કારણે આ હિતાવહ નથી. વેક્સિનના ડોઝ કેટલાક સપ્તાહના અંતરે આપવાનું કારણ એ છે કે પ્રથમ ડોઝ શરીરની ઈમ્યુન સિસ્ટમને કોરોના વાઈરસને ઓળખવા માટે સજ્જ બનાવે છે. બીજો ડોઝ શરીરમાં ઈન્યુનિટી વિકસી હોવાનું પરીક્ષણ કરે છે અને શરીરને તે શક્તિ મજબૂત બનાવવા પ્રેરે છે.