દામજી અને રમા લાડવા ભારતમાં 10,000 માઇલનો સડક પ્રવાસ ખેડશે

નિવૃત્ત દંપતી 4 મહિનામાં ગોવાથી કન્યાકુમારીનો સડક પ્રવાસ પૂરો કરશે

Wednesday 09th November 2022 05:36 EST
 
 

લંડન

બર્મિંગહામનું એક નીડર યુગલ ભારતના ગોવાથી કન્યાકુમારી સુધીની 10,000 માઇલની સડકયાત્રા કરવાના પોતાના ડ્રીમ મિશનને પાર પાડવા થનગની રહ્યું છે. નિવૃત એવા 72 વર્ષીય દામજી પ્રેમજી અને 71 વર્ષીય રમા લાડવા આ સપ્તાહમાં બ્રિટનથી ભારત જવા લંડનના હિથ્રો એરપોર્ટથી રવાના થઇ ચૂક્યાં છે. તેઓ પશ્ચિમ ભારતના ગોવાથી શરૂ કરીને ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર પહોંચી દક્ષિણ ભારતના તામિલનાડુના કન્યાકુમારી ખાતે પોતાની સડકયાત્રા પૂરી કરશે. આ યાત્રા પૂરી કરવામાં તેમને 4 મહિનાનો સમય લાગશે. તેઓ પોતાની કારમાં વિશ્વની સૌથી ભયજનક સડકો પરથી વિષમ આબોહવામાં પસાર થશે. આ યાત્રા દરમિયાન હિમાચલપ્રદેશના હિક્કિમ ગામની મુલાકાત લેશે જ્યાં વિશ્વની સૌથી વધુ ઊંચાઇ 14,567 ફૂટ પર આવેલી પોસ્ટ ઓફિસ છે.

 આ પ્રકારની સડક યાત્રાની પ્રેરણા ક્યાંથી મળી તેવા સવાલના જવાબમાં લાડવાએ જણાવ્યું હતું કે, હું હંમેશા આ પ્રવાસ ખેડવા ઇચ્છતો હતો. મેં મારી યુવાવસ્થામાં યુરોપ અને ઉત્તર આફ્રિકામાં આ પ્રકારની સડક યાત્રાઓ કરી હતી. આ પ્રકારની યાત્રાથી નવા અનુભવો અને સાહસ કરવા મળે છે.

દામજી અન રમાનો જન્મ કેન્યાના મોમ્બાસા ખાતે થયો હતો અને તેઓ અનુક્રમે 1967 અને 1972માં બ્રિટન પહોંચ્યા હતા. 1973માં બંને લગ્નગ્રંથિથી જોડાયા. આજે તેમના પરિવારમાં એક પુત્રી અને દીકરીના બે બાળકો છે. તેમના પૈતૃકો ગુજરાતના પોરબંદરના વતની હતા. રમા સેમ્યુલ હેલ્થ એન્ડ સન્સ ખાતે ક્વોલિટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા જ્યારે દામજીએ 45 વર્ષ જેગુઆર લેન્ડ રોવરમાં કામ કર્યું હતું. તેઓ ઘણા વર્ષો સુધી કેન્યા સ્પોર્ટ્સ ફેડરેશનના લીડ એજન્ટ પણ રહી ચૂક્યા છે. તેઓ બ્રિટનમાં આંતરરાષ્ટ્રીય રમતવીરોને મેનેજ કરી આપતા હતા અને ઇવેન્ટ આયોજન પણ કરતા હતા. તેમણે હિન્દુ મેરેથોન નેશનલ કમિટી અને બ્રિટિશ રોડ રેસ એસોસિએશનની રચના કરી હતી. વાચકો તેમના પ્રવાસની માહિતી દામજી લાડવાની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત કરી શકે છે. એબીપીએલ ગ્રુપ દામજી અને રમા લાડવાને તેમના પ્રવાસ માટે શુભેચ્છા પાઠવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter