લંડનઃ સરકારના ટોચના ઇમિગ્રેશન સલાહકારે રાજ્યાશ્રય માટેની અરજીના નિકાલ માટે રાહ જોઇ રહેલા રાજ્યાશ્રયવાંચ્છુઓના નોકરી કરવા પરના પ્રતિબંધને હટાવી લેવા સરકારને અપીલ કરી છે. માઇગ્રેશન એડવાઇઝરી કમિટીના ચેરમેન પ્રોફેસર બ્રાયન બેલે જણાવ્યું છે કે, જો રાજ્યાશ્રયના દાવાના નિકાલમાં વિલંબ થતો હોય તો તેમને 6 મહિના પછી નોકરી કે કામ કરવાની પરવાનગી આપવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, આમ કરવાથી રાજ્યાશ્રયવાંચ્છુઓના રહેવા પાછળ અને અન્ય લિવિંગ કોસ્ટ પાછળ ખર્ચાતા કરદાતાઓના નાણા બચાવી શકાશે અને તેઓ સમાજ સાથે એકરૂપ પણ બની શકશે.
આ પહેલાં લેબર પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે તેણે આ પ્રસ્તાવનું અનુમોદન કર્યું હતું પરંતુ સત્તામાં આવ્યા બાદ નીતિને હાંસિયામાં ધકેલી દીધી હતી. સરકાર હવે એવી દલીલ કરી રહી છે કે રાજ્યાશ્રયવાંચ્છુઓને નોકરીની પરવાનગી આપવાથી યુકેમાં ગેરકાયદેસર માઇગ્રેશનને વધુ વેગ મળશે.
અત્યારે રાજ્યાશ્રયવાંચ્છુઓને તેમના દાવાના નિકાલમાં એક વર્ષ કરતાં વધુ સમય લાગે તો જ તેમને નોકરી કરવાની પરવાનગી અપાય છે.

