લંડનઃ ભારત અને યુકે એર કનેક્ટિવિટીમાં વધારો કરવા નવા કરાર માટે સજ્જ થયાં છે. આ કરાર અંતર્ગત એરલાઇન્સ કંપનીઓ દિલ્હી, મુંબઇ અને લંડનના હિથ્રો એરપોર્ટ વચ્ચે વધુ ફ્લાઇટ ઓપરેટ કરી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરારના પગલે ભારતીય શહેરો અને લંડન વચ્ચે ઓપરેટ થનારી ફ્લાઇટની સંખ્યા પ્રતિ સપ્તાહ 56થી વધીને 70 પર પહોંચી જશે. લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોની વસતી ઉપરાંત ભારતીયોમાં ટુરિસ્ટ અને બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે યુકેની લોકપ્રિયતાના કારણે આ રૂટો એરલાઇન્સ કંપનીઓ માટે દુઝણી ગાય જેવાં છે.
હાલમાં ભારત અને યુકે વચ્ચેના એર સર્વિસ એગ્રિમેન્ટમાં સ્થળના આધારે ફ્લાઇટ ક્વોટા નક્કી કરાયેલો છે. 2017માં કરાયેલા ઓપન સ્કાય એગ્રિમેન્ટ અંતર્ગત બેંગલુરૂ અને હૈદરાબાદ સિવાયના ભારતીય શહેરો વચ્ચે ફ્લાઇટની સંખ્યા પર કોઇ મર્યાદા નથી. બેંગલુરૂ અને હૈદરાબાદ માટે પ્રતિ સપ્તાહ 14 ફ્લાઇટ નક્કી કરાયેલી છે.
હાલમાં દિલ્હી, મુંબઇ અને લંડન વચ્ચે ઓપરેટ થતી ફ્લાઇટની સંખ્યા 56 પ્રતિ સપ્તાહ છે જે વધારીને 70 કરાશે. બ્રિટિશ એરવેઝ અને વર્જિન એટલાન્ટિક જેવી યુકેની એરલાઇન્સના ક્વોટા પૂરા થઇ ગયા હોવાથી તેઓ નવી ફ્લાઇટ શરૂ કરી શક્તાં નથી તેથી આ કરારને વિસ્તારવાની જરૂર પડી છે.


