દિલ્હીમાં ભારત અને યુકે વચ્ચે સૌપ્રથમ ટુ પ્લસ ટુ મંત્રણા યોજાઇ

વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, ક્રિટિકલ ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય અને એનર્જી જેવા મહત્વના સેક્ટરમાં સહકાર વધારવા નિર્ણય

Tuesday 17th October 2023 12:41 EDT
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચે ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણ મંત્રણાનો પ્રારંભ થયો છે. બંને પક્ષ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, ક્રિટિકલ ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય અને એનર્જી જેવા મહત્વના સેક્ટરમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. વરિષ્ઠ સ્તરની આ મંત્રણામાં ઇન્ડો પેસિફિક રિજિયન સહિતના આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પર પણ ચર્ચા કરાઇ હતી. ભારત અને યુકે વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે ચર્ચા કરવા આ મિકેનિઝમ તૈયાર કરાઇ છે. મંત્રણામાં આ મહિનાના અંતે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકની ભારત મુલાકાતની સંભાવનાઓ પર પણ ચર્ચા કરાઇ હતી.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને દેશના અધિકારીઓએ આતંકવાદ સામેની લડાઇમાં સહકાર વધારવા, માનવીય સહાય અને હોનારત રાહત તથા મેરીટાઇમ સિક્યુરિટી પર પણ ચર્ચા કરી હતી. મે 2021માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના માટે સંબંધો વિકસાવવા 10 વર્ષનો રોડમેપ તૈયાર કરાયો હતો.

ભારત-યુકે વેપાર કરાર મંત્રણા એડવાન્સ સ્ટેજમાં પહોંચી

ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની મંત્રણા એડવાન્સ સ્ટેજમાં પહોંચી છે. ભારતના વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે, કેટલાક જટિલ મુદ્દા પર ચર્ચા જારી છે. તાજેતરમાં જ બર્થવાલના નેતૃત્વમાં ભારતના એક પ્રતિનિધિમંડળે લંડનમાં વેપાર કરાર પર મંત્રણા કરી હતી અને હવે યુકેનું પ્રતિનિધિમંડળ વધુ મંત્રણા માટે ભારત પહોંચ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter