દિવાળી ઉજવણીઃ લેસ્ટર કાઉન્સિલ સામે હિન્દુ સમુદાયમાં ઉગ્ર નારાજગી

લેસ્ટરની ઉજવણી હિન્દુ એકતાનું પ્રતીક, સ્થાનિક કાઉન્સિલરો નિર્ણયની પુનઃવિચારણા કરેઃ વિમલજી ઓડેદરા

સુભાષિની નાયકર Tuesday 09th September 2025 14:38 EDT
 
 

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ યુકેના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, લેસ્ટરની દિવાળી ઉજવણીને હિન્દુ તહેવાર તરીકે વ્યાપક માન્યતા મળી છે. આ ઉજવણી હિન્દુ એકતાની પ્રતીકસમાન છે. એક હિન્દુ અગ્રણી તરીકે આ ઉજવણી મારા હૃદય સાથે જોડાયેલી છે. બેલગ્રેવ રોડ સહિત લેસ્ટરમાં થતી દિવાળીની ઉજવણીમાં ઘટાડો કરવાના કાઉન્સિલના નિર્ણયથી અમારા સમુદાયને ઘણો આઘાત લાગ્યો છે. આ ઉજવણી સ્થાનિક બિઝનેસો માટે પણ અત્યંત મહત્વની છે. આ પ્રકારના નિર્ણયો અમારા સાંસ્કૃતિક વારસાની અવગણના કરે છે. લેસ્ટરના સાંસ્કૃતિક વિકાસમાં હિન્દુ સમુદાયનું યોગદાન મહત્વનું છે તેમ છતાં ઉજવણી રદ કરવાનો નિર્ણય હિન્દુ સમાજ માટે અપમાનજનક છે. હું સ્થાનિક કાઉન્સિલરોને આ નિર્ણયની પુનઃવિચારણાની અપીલ કરું છું.

ચૂંટાયેલા એશિયન કાઉન્સિલરો એશિયન સમુદાયના હિતમાં કામ કરતા નથીઃ મુકુંદ સામાની

રિટાયર્ડ બિઝનેસમેન મુકુંદ સામાનીએ જણાવ્યું હતું કે, લેસ્ટરમાં ઘણા પરિવારોના સંતાનો અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયાં છે પરંતુ દિવાળીની ઉજવણી કરતાં પરિવાર પાસે આવતા હોય છે. અમે સાથે મળીને બેલગ્રેવ રોડ પર દિવાળીની ઉજવણી કરીએ છીએ. હવે જોઇએ કે આ વર્ષે શું થાય છે. સ્થાનિક સત્તાવાળાઓની એ દલીલ સાથે હું સહમત છું કે ઉજવણીનો વિસ્તાર વધુ લોકોને સમાવી શક્તો નથી તેથી તેમણે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય વિસ્તારની પસંદગી કરવી જોઇએ. મને લાગે છે કે લેસ્ટર કાઉન્સિલ એશિયન સમુદાયની અવગણના કરી રહી છે. આપણા ચૂંટાયેલા એશિયન કાઉન્સિલરો સમુદાયના હિતમાં કામ કરી રહ્યાં નથી.

ઉજવણીમાં કાપનો નિર્ણય સ્થાનિક બિઝનેસો માટે ફટકાસમાનઃ નિશા પોપટ

બેલગ્રેવ બિઝનેસ એસોસિએશનના અધ્યક્ષ નિશા પોપટે જણાવ્યું હતું કે, લેસ્ટરમાં છેલ્લા 40 કરતાં વધુ વર્ષથી દિવાળીની થતી ઉજવણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ઉજવણીમાં કાપ મૂકવાનો નિર્ણય આ ગૌરવપૂર્ણ પરંપરા માટે આઘાતસમાન અને સ્થાનિક બિઝનેસો માટે ગંભીર પરિણામ લાવનાર છે. ફાળો ઉઘરાવવા અને સુરક્ષાની યોજનાઓ રજૂ કરવા છતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રદ કરાઇ છે તે હતાશાજનક છે. કાઉન્સિલે દિવાળીની ઉજવણી જારી રાખવા ભાગીદારી સાથે કામ કરવું જોઇએ.

કાઉન્સિલનો નિર્ણય લેસ્ટરના અર્થતંત્રને અસર કરશેઃ વિનોદ કોટેચા

કોફેડરેશન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશનના પૂર્વ ડિરેક્ટર વિનોદ કોટેચાએ જણાવ્યું હતું કે, લેસ્ટરની દિવાળી ઉજવણી હિન્દુ સમુદાય માટે અત્યંત મહત્વની છે. ભારત બહાર લેસ્ટરમાં સૌથી મોટી ઉજવણી થાય છે. ઉજવણીમાં કાપ સ્થાનિક બિઝનેસોને અસર કરશે. શહેરના અર્થતંત્રને ફટકો મારશે. બેલગ્રેવ રોડ પરની ઉજવણીમાં 40,000 કરતાં વધુ લોકો સામેલ થતાં હોય છે. લેસ્ટર સિટી કાઉન્સિલે તેના નિર્ણયની પુનઃસમીક્ષા કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter