દીકરીને ન્યાય અપાવવા હર્ષિતા બ્રેલાનો પરિવાર બ્રિટન પહોંચ્યો

હત્યારાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમને ન્યાય નહીં મળેઃ પીડિત પરિવાર

Tuesday 19th May 2026 12:34 EDT
 
 

લંડનઃ હર્ષિતા બ્રેલાની હત્યા કરીને લાશને કારની ડેકીમાં ફેંકી દેવાના ચકચારી મામલામાં ન્યાયની આશા સાથે પીડિત પરિવાર પ્રથમ વખત બ્રિટન પહોંચ્યો છે. ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવેલી 24 વર્ષીય હર્ષિતા બ્રેલાના માતા-પિતા અને બહેન ન્યાયની માંગ સાથે નવી દિલ્હીથી આશરે 4,000 માઇલ દૂર આવેલા કોર્બી શહેરમાં આવી પહોંચ્યા છે.

આરોપ છે કે હર્ષિતાના પતિ પંકજ લાંબાએ જ તેની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને ગાડીની ડેકીમાં છુપાવી દીધી હતી. આ ગુનાહિત કૃત્ય બાદ આરોપી પંકજ ભારત ભાગી છૂટ્યો હતો અને ઘટનાના 18 મહિના વીતી જવા છતાં તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

યુકે પહોંચેલા પિતા સતબીર સિંઘ અને બહેન સોનિયાએ હર્ષિતાના અંતિમ સ્થાનોની મુલાકાત લીધી હતી. પિતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, આ એ જ જગ્યા છે જ્યાં મારી દીકરી છેલ્લી વાર જીવતી જોવા મળી હતી. અમારા માટે આ ખૂબ જ પીડાદાયક અનુભવ છે. જ્યાં સુધી આરોપીની ધરપકડ કરીને તેને અહીં લાવવામાં નહીં આવે, ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે.

કેસની તપાસ કરી રહેલા સિનિયર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, ડિટેકટીવ સુપરિન્ટેન્ડેન્ટ જોની કેમ્પબેલે જણાવ્યું હતું કે, આ એક અત્યંત જટિલ અને આંતરરાષ્ટ્રીય સ્તરનો મામલો છે. માર્ચ 2025માં પંકજ લાંબા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અમે બ્રિટન અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને તપાસ ચલાવી રહ્યા છીએ અને હર્ષિતાના પરિવારને ન્યાય અપાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter