દીપાવલિ પર્વે સોના-ચાંદીના £પના સિક્કા સાથે મહાત્મા ગાંધીનું સન્માન

Wednesday 17th November 2021 04:27 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે દીપાવલિ પર્વ અને ભારતના ૭૫મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપિતા ગાંધીજીના સન્માનમાં પાંચ પાઉન્ડનો સિક્કો ગુરુવાર, ૪ નવેમ્બરે બહાર પાડયો હતો. કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં ઉપલબ્ધ પાંચ પાઉન્ડનો સિક્કો રોયલ મિન્ટની વેબસાઇટ પરથી ખરીદી શકાશે. હિના ગ્લોવર દ્વારા ડિઝાઈન કરાયેલા સંગ્રાહકો માટેના આ સિક્કામાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળની સાથે ગાંધીજીના સુપ્રસિદ્ધ અવતરણ ‘મારું જીવન એ જ મારો સંદેશ - My life is my message’ ને સ્થાન અપાયું છે.

ભારતીય મૂળના ચાન્સેલર રિશિ સુનાકે મહાત્મા ગાંધીના જીવન અને વિરાસતની ઉજવણી સમાન આ સિક્કો જારી કરતા ગૌરવસહ જણાવ્યું હતું કે,‘એક હિંદુ હોવાના નાતે દિવાળીના તહેવારમાં જ મહાત્મા ગાંધીનો આ સિક્કો બહાર પાડતા હું અનહદ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ગાંધીજીએ ચાવીરુપ અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ સિક્કાના માધ્યમથી પ્રથમ વખત જ તેમના ઉલ્લેખનીય જીવનને સ્મરણ કરવું શાનદાર છે.’

ભારત અને બ્રિટન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો ઉત્તરોત્તર વધુ મજબૂત થતાં જાય છે અને ગાંધીજીના ચિત્ર-સંદેશ સાથેનો સ્મરણીય સિક્કો જારી કરવો તે આ બાબતનો પૂરાવો છે. અગાઉ, રોયલ મિન્ટ દ્વારા દીપાવલિ નિમિત્તે લક્ષ્મીદેવીના અંકિત ચિત્ર સાથે સૌપ્રથમ એક ગ્રામ અને ૫ ગ્રામ વજનના ગોલ્ડ બાર પણ વેચાણમાં મૂકાયા હતા.

ચાન્સેલરે જીવનના તમામ ક્ષેત્રોમાં લઘુમતી સમુદાયોના યોગદાનને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટેના અભિયાનના હિસ્સા સ્વરૂપે ગયા વર્ષે એક નવા ડાયવર્સિટી બિલ્ટ બ્રિટન ૫૦ પેન્સના કોઈન્સ જારી કર્યા હતા. બ્રિટનના વિવિધ ઈતિહાસની ઉજવણીના ભાગરૂપે આશરે ૧૦ મિલિયન કોઈન્સ ઓક્ટોબર ૨૦૨૦માં ચલણમાં મૂકાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter