દીર્ઘ શાસક ક્વીને ૯૧મો જન્મદિવસ ઉજવ્યો

Wednesday 26th April 2017 06:55 EDT
 
 

લંડનઃ વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી દીર્ઘ શાસન કરનારાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૨૧ એપ્રિલે તેમનો ૯૧મો જન્મદિવસ વિન્ડસર કેસલમાં ધામધૂમ વિના ઉજવ્યો હતો. ગયા વર્ષે સમગ્ર યુકેમાં ૯૦મા જન્મદિને ઉત્સવ અને પાર્ટીનો માહોલ સર્જાયો હતો. ક્વીનને જન્મદિનના બીજા દિવસ એટલે કે ૨૨ એપ્રિલે પણ ન્યુબરી રેસકોર્સમાં તેમના કોલ ટુ માઈન્ડ અશ્વે સ્પર્ધા જીતી લેતા આનંદની ઉજવણી કરી હતી.

ક્વીન એલિઝાબેથ દ્વિતીય બે સીમાચિહ્ન ધરાવે છે. તેમણે સપ્ટેમ્બર ૨૦૧૫માં પરદાદી ક્વીન વિક્ટોરિયાનો વિક્રમ તોડી બ્રિટનના સૌથી લાંબુ શાસન કરનારા રાજવીનો રેકોર્ડ ધારણ કર્યો હતો. આ પછી, ગયા વર્ષે થાઈલેન્ડના ૮૮ વર્ષીય રાજવી ભૂમિબોલઅદુલ્યાદેજનું નિધન થવા સાથે ક્વીન હવે વિશ્વમાં સૌથી લાંબુ શાસન કરનારા જીવંત રાજવી છે. તેઓ ૧૯૫૨માં બ્રિટનના ક્વીન બન્યાં હતાં. ૨૦૧૭ની છઠ્ઠી ફેબ્રુઆરીએ તેમણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી અને શાસનના ૬૫ વર્ષ સાથે સેફાયર જ્યુબિલી સુધી પહોંચનારા પ્રથમ બ્રિટિશ મોનાર્ક બન્યાં છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીય બે જન્મદિન ધરાવે છે. ડ્યુક અને ડચેસ ઓફ યોર્કના પ્રથમ સંતાન તરીકે ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના દિવસે પ્રિન્સેસ એલિઝાબેથ એલેકઝાન્ડ્રા મેરી તરીકે તેમનો જન્મ થયો હતો. તેમનો બીજો એટલે કે સત્તાવાર જન્મદિન યુકેમાં સારા હવામાનને ધ્યાનમાં લઈ જૂન મહિનાની મધ્યમાં ૧૭ જૂને ઉજવાય છે. ગયા વર્ષે જૂનમાં સત્તાવાર જન્મદિનની ઉજવણી નિમિત્તે બકિંગહામ પેલેસની બહાર ઓપન એર પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વીન હવે તેમના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ તેમજ પૌત્રો વિલિયમ અને હેરી સહિત શાહી પરિવારના યુવાન સભ્યોને વધુ જવાબદારી સોંપતાં રહ્યાં છે.

ક્વીનના ૯૧મા જન્મદિને સમગ્ર દેશમાં ૧૧ સ્થળોએ તોપની સલામીનો કાર્યક્રમ યોજાયો હતો. મિલિટરીએ યોર્કમાં ૨૧ તોપની સલામી આપી હતી. ધ બેન્ડ ઓફ કિંગ્સ ડિવિઝન દ્વારા સિટી સેન્ટર થઈને માર્ચ કરવામાં આવી તે પછી ફોર્થ રેજિમેન્ટ રોયલ આર્ટિલરી દ્વારા ત્રણ તોપની સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.

ક્વીન માટે ૯૧મો જન્મદિન સારા સમાચાર લઈને આવ્યો હતો. ન્યુબરી રેસકોર્સ પર દુબઈ ડ્યૂટી ફ્રી સ્પ્રિંગ ટ્રાયલ્સ ખાતે તેમનો અશ્વ કોલ ટુ માઈન્ડ વિજયી નીવડ્યો હતો. ત્રણ વર્ષનો અશ્વ વિજેતા નીવડતા તેમને ઈનામમાં ૫,૧૭૫ પાઉન્ડ મળ્યાં હોવાનું અનુમાન છે. અશ્વના આઈરિશ રેસહોર્સ પિતા ગેલેલિઓએ પણ એપ્સમ ડર્બી, ધ આઈરિશ ડર્બી સ્ટેક્સ અને કિંગ જ્યોર્જ ષષ્ઠમ તથા ક્વીન એલિઝાબેથ સ્ટેક્સમાં વિજય મેળવેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter