લંડનઃ ડો. અલકા પટેલ માંદગી સામે બાથ ભીડીને આયુષ્ય લંબાવવાના પ્રતીક સમાન વ્યક્તિત્વ છે. હાલ 53 વર્ષના ડો. અલકા પટેલ 39 વર્ષના હતા ત્યારે પાયરેક્સિયા ઓફ અનનોન ઓરિજિન (પીયુઓ) નામની ગંભીર માંદગીમાં પટકાયા હતા. ડોક્ટર હોવાના નાતે તેઓ સમજી ગયાં હતાં કે અથાક પરિશ્રમના કારણે તેઓ આ સ્થિતિમાં આવી પડ્યાં હતાં. તેથી તેમણે પોતાના પુનરોદ્ધાર માટે મેડિકલ જ્ઞાનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ડો. પટેલે આ માટે ડેટા એનાલિસિસ અને આદતો પર આધારિત પદ્ધતિ અપનાવી હતી. જેના કારણે તેઓ 20 વર્ષના યુવા જેવું શારીરિક બંધારણ હાંસલ કરી શક્યાં જે તેમના મેડિકલ ટેસ્ટમાં પૂરવાર થયું હતું. તેઓ કહે છે કે આ કદાચ વિચિત્ર લાગશે પરંતુ આપણે આપણી યુવાની પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ. હું તેનો પુરાવો છું. આજે તેઓ તેમના ક્લાયન્ટ્સને આ ટેકનિક શીખવી રહ્યાં છે જેથી તેઓ તેમના આયુષ્યમાં દાયકાઓ ઉમેરી શકે.
તેઓ કહે છે કે લાંબા જીવન માટે આપણે લક્ષ્યાંક નક્કી કરી તે દિશામાં કામ કરી શકીએ. હું મારા ક્લાયન્ટ્સને કહું છું કે તેઓ 114 વર્ષ ન જીવી શકે તેવું કોઇ કારણ નથી.