દીવાળી અને ઈદને જાહેર રજા ગણવા મુદ્દે સાંસદો ચર્ચા કરશે

Wednesday 24th October 2018 02:37 EDT
 
 

લંડનઃ હિન્દુઓ અને મુસ્લિમો માટે મુખ્ય ધાર્મિક તહેવાર ગણાતા દિવાળી અને ઈદને જાહેર રજા તરીકે માન્ય કરવાની સતત માગણીના પરિણામે બ્રિટિશ સાંસદો આ મહિના અંતભાગમાં તેના વિશે ચર્ચા હાથ ધરવાના છે. ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અઝાને જાહેર રજા ગણવા ૪૫,૦૦૦થી વધુ લોકો તેમજ દિવાળી અને દશેરાને જાહેર રજા માન્ય રાખવા ૧૧,૦૦૦થી વધુ લોકોએ ઈ-પિટિશન કરેલી છે.

આ પિટિશન્સમાં જણાવાયું છે કે બ્રિટનની વસ્તીમાં હિન્દુઓ મને મુસ્લિમો ગણનાપાત્ર વસ્તી ધરાવે છે. ૨૦૧૧ના સેન્સસ મુજબ યુકેમાં ૨.૭ મિલિયન મુસ્લિમ અને ૮,૧૭,૦૦૦ હિન્દુઓ વસે છે, જે અનુક્રમે યુકેની વસ્તીના ૪.૮ ટકા અને ૧.૫ ટકા થવા જાય છે. આમ છતાં, તેમના ધર્મોની ઓળખ સમાન કોઈ જાહેર રજા નથી.

સરકારે અગાઉ જાહેર રજા સાથે વધુપડતો ખર્ચ સંકળાયેલો હોવાની દલીલ સાથે તેમની માગણી નકારી કાઢી હતી. સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૧૨ ડાયમન્ડ જ્યુબિલી રજા પાછળ આશરે ૧.૨ બિલિયન પાઉન્ડ ખર્ચ થયો હતો. જોકે, પિટિશનની આપમેળે ચર્ચા થવા માટે આવશ્યક ૧,૦૦,૦૦૦ સહી ન હોવાં છતાં પાર્લામેન્ટની પિટિશન કમિટીએ પાર્લામેન્ટમાં આ વિશે ચર્ચા કરવી પસંદ કરી છે.

પિટિશન કમિટીના સભ્ય અને સ્કોટિશ નેશનલ પાર્ટીના સાંસદ માર્ટીન ડે આ ચર્ચાનો આરંભ કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ ચર્ચાની તરફેણ અને વિરુદ્ધમાં ડેટા અને પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે. જાહેર રજાઓ દ્વારા વિવિધ કોમ્યુનિટીઓના તહેવારોથી મળતા સંદેશાઓ મજબૂત બહુસાંસ્કૃતિક સમાજને ઉત્તેજન આપશે તેના વિશે પણ વિચારવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે ‘આ દેશમાં પણ કોઈ સાતત્ય નથી કારણકે ઈંગ્લેન્ડની આઠ જાહેર રજા છે, જ્યારે સ્કોટડલેન્ડની નવ અને નોર્ધર્ન આયર્લેન્ડની ૧૦ જાહેર રજા છે.’ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter