લંડન
લેસ્ટરમાં દીવાળીના મહાપર્વ દરમિયાન શાંતિ જળવાય તે માટે સ્થાનિક પોલીસને મદદરૂપ થવા સાઉથ વેલ્સના પોલીસ અધિકારીઓ તહેનાત કરાયાં છે. સપ્તાહાંતથી શરૂ થયેલી ઉજવણીઓ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે સાઉથ વેલ્સના પોલીસ અધિકારીઓ દ્વારા બેલગ્રેવ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરાયું હતું. હંગામી ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ સઘન પેટ્રોલિંગ કરી રહ્યાં છે અને પરિવારોને સુરક્ષિત હોવાની અનુભૂતિ કરાવી રહ્યાં છે. સમુદાયો એકસાથે મળીને ઉજવણી કરી રહ્યાં છે તે જોઇને અમે ખુશ છીએ. 24 ઓક્ટોબરના દીવાળીના રોજ પણ સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે જનતાને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે. રવિવારે સાંજે દીપ પ્રગટાવવાની ઉજવણીનો પ્રારંભ થયો ત્યારે મોટી સંખ્યામાં પોલીસની હાજરી સડકો પર જોઇ શકાતી હતી. પોલીસની તહેનાતીથી પરિવારો પણ ઘણા ખુશ અને ભયમુક્ત જણાઇ રહ્યાં હતાં. પોલીસ અધિકારીઓ પરિવારો સાથે વાતચીત કરીને તેમને સુરક્ષાની ભાવના આપી રહ્યાં હતાં.

