દુઃખ ભરે દિન બીતે રે ભૈયા...

બ્રિટન અને ભારતમાં કોરોના નિયંત્રણો હળવા કરવા નિર્ણય

Monday 14th February 2022 05:41 EST
 
 

લંડન, નવી દિલ્હીઃ દુનિયાભરમાંથી કોરોના મહામારીનો કહેર ઘટી રહ્યો છે અને આકરા નિયંત્રણો હળવા થઇ રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે જ લોકો હળવાશની લાગણી અનુભવી રહ્યા છે. અહીં બ્રિટનમાં જ્હોન્સન સરકારે ફેબ્રુઆરીના અંતથી કોરોના અંકુશ હટાવી લેવાની જાહેરાત કરી છે તો ભારતમાં મોદી સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે રાહતજનક નિર્ણય કર્યો છે. સોમવાર રાતથી લાગુ થઇ ગયેલી ગાઇડલાઇન અનુસાર, હવે ભારત પહોંચતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે નહીં. સંક્રમણ ઘટતાં આરોગ્ય મંત્રાલય દ્વારા રાહતજનક પગલાં જાહેર થઇ રહ્યાં છે. 

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મહામારીના બે લાંબા વર્ષ પછી ચાલુ મહિના એટલે કે ફેબ્રુઆરીના અંતે ટેસ્ટ પોઝિટિવ થયા પછી સેલ્ફ-આઈસોલેશન સહિત તમામ કોવિડ નિયમોને રદ કરવાની જાહેરાત કરી છે. હાઉસ ઓફ કોમન્સ વિરામ પછી ફરી મળશે ત્યારે કોવિડની સાથે જ રહેવા મુદ્દે યોજના જાહેર કરશે. બોરિસની જાહેરાતને સભ્યોએ વધાવી લીધી હતી.

જ્હોન્સને જણાવ્યું હતું કે પ્રોત્સાહક ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે ત્યારે ઈંગ્લેન્ડમાં તમામ નિયંત્રણો એક મહિના પહેલા જ ઉઠાવી લેવાશે. તેમણે ૨૧ ફેબ્રુઆરીએ કોમન્સની હાફ-ટર્મ રિસેસ પછી સંપૂર્ણ યોજના જાહેર કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે નિયંત્રણો ઉઠાવી લેવાની મુદત ૨૪ માર્ચની છે.
અલબત્ત, બ્રિટન આવતા લોકો માટે ટ્રાવેલ નિયમો અમલમાં રહી શકે છે. હોસ્પિટલ, જીપી સર્જરીઝ અને ફાર્મસી સહિત મેડિકલ અને કેર યુનિટ્સમાં ફેસ માસ્ક પહેરવાનું યથાવત રહેશે. શાળાના કોમ્યુનલ એરિયાઝમાં ફેસ માસ્કની ભલામણ કરવાની સત્તા કાઉન્સિલો પાસે રહેશે. ઈવેન્ટના સ્થળો પણ કોવિડ પાસનો સ્વૈચ્છિક ઉપયોગ કરાવી શકે છે.
પ્લાન બી નિયંત્રણોમાં ફેસ માસ્ક પહેરવાના મોટા ભાગના નિયમો, શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ અને ફરજિયાત કોવિડ પાસ સહિતના નિયંત્રણો ગયા મહિને જ રદ કરાયા હતા. દેશમાં શાંતિકાળના અભૂતપૂર્વ નિયંત્રણો ૨૦૨૦ની શરૂઆતથી લદાયા હતા.
ઓમિક્રોન વેરિએન્ટના ઉછાળા પછી કોવિડના કેસીસ ઘટી રહ્યા છે અને નિષ્ણાતોની ચેતવણીના હિસાબે મોત પણ ઘણા ઓછાં નીપજ્યાં છે. બીજી તરફ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં નિયંત્રણો હટાવવા બાબતે કોઈ સંકેત અપાયો નથી.
ભારતમાં એરપોર્ટ પર કોરોના ટેસ્ટમાંથી મુક્તિ
ભારત સરકારે જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય યાત્રીઓને હવેથી એરપોર્ટ પર કોરોના પરીક્ષણ કરાવવું નહીં પડે. સંક્રમણ ઘટતાં દેશના આરોગ્ય મંત્રાલયે નવી માર્ગદર્શિકા જારી કરીને ટેસ્ટમાંથી મુક્તિ આપી છે. આ સુધારેલી માર્ગદર્શિકા સોમવારની રાતથી જ લાગુ થઇ ગઇ છે અને નવા આદેશ સુધી અમલી રહેશે. હવેથી તમામ યાત્રી ‘સેલ્ફ ડેકલેરેશન ફોર્મ’ ભરીને યાત્રા કરી શકશે. એરપોર્ટમાં સ્ક્રીનિંગની પ્રક્રિયા દરમિયાન જો કોરોના સંક્રમણના લક્ષણ દેખાશે તો તેવા યાત્રીને તરત આઇસોલેટ કરી દેવાશે. નવી માર્ગદર્શિકા મુજબ હવેથી યાત્રા રવાના ૭૨ કલાકે પહેલાં કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રજૂ કરવામાંથી પણ મુક્તિ અપી દેવાઈ છે. તેનાં સ્થાને બંને રસીના ડોઝ લઇ લીધા છે, તેવુ રસીકરણ પ્રમાણપત્ર બતાવી શકાશે તેવું ગાઈડલાઈનમાં જણાવાયું છે.
નવી માર્ગદર્શિકામાં એ તમામ દેશોમાંથી આવતા યાત્રીઓને પણ ભારતમાં પ્રવેશની છૂટ અપાઈ છે. જ્યાં ઓમિક્રોન ફેલાયેલો છે. ભારત આવ્યા પછી જો કોઈ યાત્રીને કોવિડના લક્ષણ દેખાય તો તેમણે પોતાની જાતે જ આઈસોલેટ થઈ જઈ નજીકની હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter