લંડન
બ્રિટનમાં દુકાળની સ્થિતિ ગંભીર બની રહી છે. પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર ઇંગ્લેન્ડમાં નદીઓનો પ્રવાહ છેલ્લા 21 વર્ષના તળિયે પહોંચી ગયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી વર્ષે આ સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે. જેના પગલે વન્ય જીવન અને કુદરતી પર્યાવરણ પર ગંભીર અસર થશે. 88 ટકા નદીઓમાં જુલાઇ મહિનામાં પાણીની સપાટી સામાન્ય કરતાં પણ નીચી રહી હતી. જળાશયોમાં પાણીનો જથ્થો તેમની ક્ષમતા કરતાં 64 ટકા પર આવી ગયો હતો જે છેલ્લા બે દાયકાની સૌથી નીચી સપાટી છે. ભૂમિગત જળની સપાટી પણ ચોથા સૌથી નીચલા સ્તરે પહોંચી છે. દેશના બે તૃતિયાંશ વિસ્તારમાં ભૂમિગત જળની સપાટી સામાન્ય કરતાં નીચી ચાલી ગઇ છે.
દર જુલાઇ મહિનામાં જારી કરાતા રિપોર્ટ અનુસાર દરેક માપદંડ પ્રમાણે આ વર્ષે દેશમાં સૌથી ભીષણ દુકાળની સ્થિતિ છે. વાઇલ્ડલાઇફ એન્ડ કન્ટ્રીસાઇડ લિન્કના સંયોજક એલી વોર્ડ કહે છે કે દુકાળને પહોંચી વળવા સરકાર દ્વારા લેવાતા અપુરતા છે. જેના કારણે લોકો અને કુદરત જોખમમાં મૂકાઇ રહ્યાં છે. શુદ્ધ અને પુરતા જથ્થામાં પાણીની વ્યવસ્થા માટે આપણે મહત્વાકાંક્ષી યોજના અને પગલાં અમલી બનાવવાની જરૂર છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દુકાળ ફક્ત આ વર્ષ પુરતો જ મર્યાદિત નહીં રહે પરંતુ આ 3 વર્ષના દુકાળના ચક્રનો પ્રારંભ છે. છેલ્લા બે દાયકામાં 2004-06, 2010-12 અને 2017-19 એમ ત્રણ વાર આ ચક્ર જોવા મળ્યું છે. જો આ વખતે પણ આ ચક્ર જારી રહેશે તો આગામી વર્ષે નદીઓમાં જળ સપાટી અને પાણીના સ્તરની સ્થિતિ બદતર બની શકે છે. દુકાળની આ સ્થિતિ ઇંગ્લેન્ડના વન્યજીવન અને કુદરતી પર્યાવરણ માટે મોટી હોનારત પૂરવાર થઇ શકે છે. માછલીઓ અને અન્ય જળજીવન નદીઓ અને ઝરણાઓ પર આધારિત છે.
એંગલિંગ ટ્રસ્ટના માર્ક ઓવેન કહે છે કે આ વર્ષના પ્રારંભે આપણી નદીઓ અને જળાશયો ગયા વર્ષની પાણીની અછતથી ઉભરી શકી નહોતી. સરકારે 2023માં સર્જાનારી સ્થિતિ અંગે અત્યારથી પગલાં લેવાની શરૂઆત કરવી જોઇએ. સરકારે પાણીની માગમાં ઘટાડો કરવો જોઇએ. આ માટે પાણીના પૂરવઠા પર કાપ મૂકવાની પણ જરૂર છે.
કેટલાંક પર્યાવરણવિદ્દોએ ચેતવણી આપી છે કે આ દુકાળની અસરમાંથી બહાર આવતાં કેટલીક નદીઓને વર્ષો લાગી શકે છે. પાણીની કંપનીઓને નદીઓમાં ગટરના પાણી છોડવાની પરવાનગી સ્થિતિને વધુ વણસાવી રહી છે. વ્યે નદીમાં પોલ્ટ્રી ફાર્મ્સમાંથી છોડાતી ગંદકીના કારણે ભારે પ્રદૂષણ ફેલાયું છે. બ્રિટનનું સૌથી જાણીતું સરોવર અતક્યારે ફોસ્ફેટના પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. જો પ્રદૂષણને નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો દુકાળનું બીજું વર્ષ મોટી હોનારત પૂરવાર થશે.


