લંડનઃ બ્રિટનમાં પાણીની અછતની સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. યોર્કશાયરમાં યોર્કશાયર વોટર કંપની દ્વારા હોસપાઇપ પ્રતિબંધ લદાયાના એક જ સપ્તાહમાં કેન્ટ અને સસેક્સે પણ આગામી સપ્તાહથી હોસપાઇપ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. યોર્કશાયરમાં 12મી જૂનથી જ સત્તાવાર દુકાળની જાહેરાત કરી દેવાઇ હતી. પાણીની વધી રહેલી અછતને ધ્યાનમાં લેતાં થેમ્સ વોટરે પણ 22 જુલાઇથી સ્વિન્ડન, ગ્લુસેસ્ટરશાયર, ઓક્સફર્ડશાયર, બર્કશાયર અને વિલ્ટશાયરમાં હોસપાઇપ પ્રતિબંધની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે હોસપાઇપની મદદથી બગીચામાં પાણી પાવા, કાર ધોવા, પેડલિંગ પુલ ભરવા સહિતના કામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધ અંતર્ગત હોસપાઇપની મદદથી ગાર્ડનમાં પાણી છાંટી શકાશે નહીં, કાર અને ઘર ધોઇ શકાશે નહીં. સાઉથ ઇસ્ટ વોટર કંપનીએ 18 જુલાઇથી કેન્ટ અને સસેક્સ માટે આ પ્રતિબંધની જાહેરાત કરી છે. વોટર કંપનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે વિસ્તારમાં પીવાના પાણીની માગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. અમે સામાન્ય કરતાં વધુ પાણીનો પૂરવઠો ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. કંપની સરે, હેમ્પશાયર અને બર્કશાયરમાં પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, 30 જૂનના રોજ પાણીની માગ રેકોર્ડ 680 મિલિયન લિટર પ્રતિ દિવસ પર પહોંચી હતી. જે ઉનાળાની સરેરાશ 105 મિલિયન લિટર કરતાં ઘણી વધુ કહી શકાય. આ જથ્થાથી ચાર વધારાના શહેરની પાણીની માગ પૂરી કરી શકાય.
કંપનીએ દાવો કર્યો છે કે જળાશયોમાં પાણીનું સ્તર ઘણું ઘટી ગયું છે અને અમે દુકાળને ધ્યાનમાં રાખીને પૂરવઠાની મર્યાદા નક્કી કરી લીધી છે. પાણીની અછતની અસરો ટૂંકસમયમાં પર્યાવરણ પર જોવા મળશે. અમે પ્રતિબંધ નહીં લાદવાના શક્ય તમામ પ્રયાસ કરી જોયાં છે પરંતુ હવે ગ્રાહકોને ઓછા પ્રેશરથી પાણી મળે અથવા તો પાણીનો પૂરવઠો જ ખોરવાઇ જાય તેવું જોખમ ઝળુંબી રહ્યું છે. હોસપાઇપ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે અદાલતી કાર્યવાહી અને 1000 પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે.
હોસપાઇપ પ્રતિબંધથી કયા વિસ્તારોમાં અસર
યોર્કશાયર વોટર
યોર્ક – લીડ્સ – હલ – ડોનકેસ્ટર – શેફિલ્ડ
સાઉથ ઇસ્ટ વોટર
એશફોર્ડ – કેન્ટરબરી – ઇસ્ટબોર્ન – મેઇડસ્ટોન – હેવર્ડ્સ હીથ – રોયલ ટર્નબ્રિજ વેલ્સ
થેમ્સ વોટર
સ્વિન્ડન – ગ્લુસેસ્ટરશાયર – ઓક્સફર્ડશાયર – બર્કશાયર - વિલ્ટશાયર


