લંડનઃ યુકે અને યુરોપના ડેરીમાલિકો અને ઉત્પાદકોએ બ્રસેલ્સમાં ગત સપ્તાહે યોજેલી બેઠકમાં પશુદાણ, ખાતર, સપ્લાય ચેઈનમાં અવરોધ અને ફ્યૂલની આસમાને ગયેલી કિંમતોની ચર્ચા કરી હતી. ડેરી ઈન્ડસ્ટ્રીએ ચેતવણી આપી છે કે દૂધના પિન્ટના ભાવમાં 50 ટકા વધારો થશે. દાયકાઓમાં દૂધના ભાવ વધ્યા નથી પરંતુ, વર્તમાન ભાવ કટોકટીથી 4 પિન્ટ દૂધના ભાવ આશરે 1.15 પાઉન્ડથી વધીને 1.60 પાઉન્ડ અને 1.70પાઉન્ડની વચ્ચે રહેશે.
યુકેના ડેરી ફાર્મર્સના અગ્રણી સલાહકાર કાઈટ કન્સલ્ટિંગ અનુસાર દૂધના પિન્ટના ભાવમાં આશરે 50 ટકાનો વધારો થશે. નેશનલ ફાર્મર્સ યુનિયનનાના ડેરી બોર્ડ ચેરમેન માઈકલ ઓક્સ પણ આ બાબતે સહમત થયા હતા. કાઈટ કન્સલ્ટિંગના જ્હોન એલને કહ્યું હતું કે ચોતરફથી ભાવ વધી રહ્યા છે ત્યારે દૂધના ભાવમાં અલ્પ વધારાના 30 વર્ષના સમયનો હવે અંત આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે બટરના સામાન્ય પેકનો ભાવ 1.55 પાઉન્ડથી વધીને 2 પાઉન્ડની પણ ઉપર જશે. ચિંતા એ છે કે પ્રોસેસર્સ પણ કિંમતોમાં વધારો અનુભવી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં દૂધની તંગી પણ છે.
બ્રસેલ્સમાં યુરોપ ખંડના અગ્રણી ડેરી ઈન્ડસ્ટ્રી ગ્રૂપ યુકોલેઈટના વડપણ હેઠળ ડેરીમાલિકો અને ઉત્પાદકોની બેઠક યોજાઈ હતી. ફાર્મર્સ અને શોપ્સ વચ્ચે કડીરૂપ ડેરી પ્રોસેસર્સ પણ યુક્રેન યુદ્ધના કારણે ફાર્મના સ્તરે તેમજ સપ્લાય ચેઈન્સમાં વધેલા ભાવથી ચિંતિત છે. દૂધના ઉત્પાદનમાં વૈશ્વિક ઘટના પગલે ડેરી સપ્લાય અને કિંમતો બાબતે સારા અને ખરાબ ચિત્રની આ બેઠકમાં ચર્ચા થઈ હતી. યુકેના ડેરી ઈન્ડસ્ટ્રીના વડાઓએ તેમની કિંમતો બાબતે સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ, ડિપાર્ટમેન્ટ ઓફ એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સ (Defra)ના અધિકારીઓ માત્ર તેમને સાંભળી રહ્યા હતા. ફાર્મર્સ અને પ્રોસેસર્સ તેમણે સહન કરવા પડતા ભાવવધારાને ગ્રાહકોના શિરે નાખવા મજબૂર બન્યા છે.


