દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે...

Monday 11th April 2022 12:30 EDT
 
 

લંડનઃ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... એનએચએચની નર્સ કેથરિન કાર્વડાઈનના કિસ્સામાં આ ઉક્તિ સોળ આની સાચી સાબિત થઈ છે. વુલ્વરહેમ્પ્ટનનાં 59 વર્ષનાં કેથરિનને 20 પાઉન્ડની લોટરીમાં 30 લાખ પાઉન્ડનું મકાન લાગ્યું છે. એનએચએસમાં નર્સ તરીકે 40 વર્ષ કામ કર્યા બાદ હવે તેઓ એનએચએસમાં જ આઈટીમાં કામ કરે છે. કેથરિન અને તેમના 59 વર્ષીય પતિ ક્રિસ પાંચ બેડરૂમના મકાનમાં 19 વર્ષીય પુત્રી ચાર્લોટ અને 18 વર્ષની મ્યા સાથે રહે છે.
કેથરિને વેલેન્ટાઈન ડેના દિવસે ઓમેઝ મિલિયન પાઉન્ડ હાઉસ ડ્રોની 20 પાઉન્ડની ટિકીટ ખરીદી ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે તેને આ ઈનામ લાગી શકે છે. તેમને ઇનામમાં મળેલું મકાન ફુલ્લી ફર્નિશ્ડ છે. તેમાં વૈભવી લોગ ફાયર, થિયેટર રૂમ, સોનાબાથ - સ્ટીમ રૂમ, અત્યાધુનિક જિમ, વિવિધ પ્રકારના ફૂલછોડ અને વર્કશોપનો સમાવેશ થાય છે. આ પ્રોપર્ટી વિન્ડમેર સ્ટેશનથી માત્ર એક માઈલ દૂર છે.

સ્ટેમ્પ ડ્યુટી અને લીગલ ફીની સાથે કેથરિને 20 હજાર પાઉન્ડ રોકડા આપવા પડશે, આ પછી કેથરિને નિર્ણય કરવાનો છે કે તેને આ મકાનમાં રહેવું, ભાડે આપવું કે વેચી નાંખવું. એસ્ટેટ એજન્ટ્સનું માનવું છે કે જો પ્રોપર્ટીને લાંબા ગાળા માટે ભાડા પર હોલિડે હોમ કે અન્ય પ્રકારે આપવામાં આવે તો કેથેરિનને પ્રતિ સપ્તાહ 6000થી 8000 પાઉન્ડનું ભાડું મળી શકે છે. જ્યારે સિઝન દરમિયાન તો આ આંકડો 12,000 પાઉન્ડે પહોંચી જાય તેમ છે. આ પ્રોપર્ટીમાં આવેલા બધા રૂમ જબરજસ્ત વ્યૂ પૂરો પાડે છે. જ્યારે એક બેડરૂમ મકાનના ઉપલા માળે છે. આ મકાનના ડાઈનિંગ રૂમનો વ્યૂ તો નયનરમ્ય છે. ત્યાંથી બેઠા બેઠાં પર્વતમાળા જોઈ શકાય છે.
ઓમેઝ પ્રાઇઝની ટીમ લકી વિજેતા દંપતીને સરપ્રાઇઝ આપવાના ઇરાદે તેમના ઘરે પહોંચી હતી, પણ દંપતી ઘરે હતું જ નહીં. તેઓ ઈટલી ગયા હતા. ઘરે દંપતીની પુત્રીઓ ચાર્લોટ અને મ્યાએ તેમને આવકાર્યા હતા. એનએચએસનાં આ વર્કરને તેમની પુત્રીઓએ શાનદાર ઈનામ લાગ્યાનો ફોન કર્યો ત્યારે તેમણે આ વાતને એપ્રિલફૂલ જોક ગણીને હસી કાઢી હતી. તેઓ માનવા જ તૈયાર નહોતા કે આવું જબરજસ્ત ઘર તેમને ફક્ત 20 પાઉન્ડની લોટરીની ટિકિટમાં મળ્યું છે.
ઓમેઝની ટીમે કેથરિન અને ક્રિસને વિડીયો કોલ કર્યો હતો, જે તેમને બનાવટી લાગ્યો હતો અને આને પણ એપ્રિલ ફૂલ માન્યું હતું. જોકે જ્યારે તેમને હકીકતની ખબર પડી ત્યારે તેઓ આંચકો ખાઈ ગયા હતા. તેઓ ઉત્તેજનાના લીધે રાત્રે સૂઈ પણ શક્યા નહોતા. કેથરિન કહે છે કે અમે જ્યારે રજા પરથી પરત આવ્યા ત્યારે અમે જાણે એફ-વન ચેમ્પિયન હોઈએ તેમ દરેક સ્થળે શેમ્પેઈનની છોળો ઉડતી હતી. અમે તો આ મકાનને ભાડે આપીને વધારાની આવક ઉભી કરશું અને તેમાંથી અમારા સંતાનો માટે કંઈક કરી શકીશું તેમજ મોર્ગેજથી વધારે ઝડપથી ચૂકવણી કરી શકીશું. જોકે, અમને અમારા નવા ઘર પ્રત્યે એટલો પ્રેમ છે કે તેને વારંવાર ભાડે નહીં આપીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter