સતત છ દિવસથી જુબાની આપી રહેલા ટેક્સી ડ્રાઈવરે અગાઉ જણાવ્યું હતું કે માત્ર ૫,૦૦૦ રેન્ડમાં હત્યાની ગોઠવણ કરવામાં તેણે મૂર્ખામી કરી હતી, જ્યારે વ્યસ્ત મહિનામાં ટેક્સી ચલાવીને તે ૩૦થી ૪૦,૦૦૦ રેન્ડ કમાઈ શકતો હતો. ગુનો થયા પછી તેની આવકના સાધન કારને શું થશે તેની તેને ચિંતા હતી. પત્નીની હત્યા માટે કથિતપણે ચૂકવાયેલાં ૧૫,૦૦૦ રેન્ડ નાણા દેવાણીએ યોગ્ય સ્થળે મુક્યા હતા કે નહિ તેની ચકાસણી પણ ટોન્ગોએ કરી ન હતી. નાણા મૂકવા અંગે દેવાણીનો વિશ્વાસ કર્યો હતો તેમ ટોન્ગોએ કોર્ટમાં જણાવ્યું હતું.
અની દેવાણીની ૨૦૧૦માં હત્યામાં ભૂમિકા બદલ ૧૮ વર્ષની સજા ભોગવી રહેલા ટોન્ગોની જુબાનીને બચાવપક્ષની ઉલટતપાસમાં તૂટતી જોતા અનીના પિતા વિનોદ હિન્ડોચા કોર્ટમાં શૂન્ય હૃદયે બેસી રહ્યા હતા.
મીડિયાથી ઘેરાયેલા દેવાણીને પેનિક એટેક
પત્ની અની દેવાણીની હત્યાની ટ્રાયલનો સામનો કરી રહેલા શ્રીયેન દેવાણી સાથે માનપૂર્વક વર્તવા વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટના જજ જેનેટ ટ્રાવર્સોએ સંવાદદાતાઓને સૂચના આપી હતી. કોર્ટની બહાર ફોટોગ્રાફરો તેની કારને ઘેરી વળ્યા હતા અને કારની બારી પર તેમના કેમેરાના લેન્સ અથડાતાં દેવાણી ગભરાઈ ગયો હતો. દેવાણીના વકીલ ફ્રાન્કોઈસ વાન ઝીલે તેમના ૩૪ વર્ષીય અસીલની માનસિક આરોગ્ય નાજૂક હોવાનું મીડિયાને યાદ અપાવવા જજને વિનંતી કરી હતી. જો દેવાણીની માનસિક હાલત બગડે તો તેને સજા અપાવવી કે નિર્દોષ જાહેર કરવાના ખટલામાં અવરોધ ઉભો થાય અથવા તેને પડતો મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાઈ પ્રોફાઈલ ટ્રાયલના આરંભ પછી પણ શ્રીયેનના વર્તનમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને તીવ્ર હતાશાના લક્ષણો જોવા મળે છે. જોકે, તે સતત પાંચ કલાક સુધી આરોપીના કઠેડામાં બેસી રહે છે.
હત્યાના ૪૮ કલાકમાં જ શ્રીયેન ગુનેગાર મનાયો
અની દેવાણીનો મૃતદેહ મળ્યાના ૪૮ કલાકમાં જ ગુનાની તપાસ કરતા ડિટેક્ટિવોએ શ્રીયેન પાસે જવાબ હોવાનું માન્યું હતું. પૂર્વ ચીફ ઓફ પોલીસ અને વર્તમાન ડેપ્યુટી મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર ભેકી સેલેએ શ્રીયેને હત્યા કર્યાની શંકા તેમને ઉદભવ્યા વિશે જણાવ્યું છે. ભ્રષ્ટાચાર કૌભાંડના પગલે સાઉથ આફ્રિકન પોલીસમાંથી બરતરફ કરાયેલા ભેકીએ હનીમૂન હાઈજેક મર્ડર વિશે પહેલી વખત જાહેરમાં ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે ૨૪થી ૪૮ કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થયું હતું અને પતિએ કશો જવાબ આપવો જ પડશે તેમ અમે વિચારી લીધું હતું. અનીનો બળાત્કાર કરાયો ન હતો તેમ જ ટેક્સીમાંથી બહાર ફેંકાયા છતાં શ્રીયેનને કોઈ ઈજા ન થયાની હકીકતોએ પોલીસની શંકા મજબૂત બનાવી હતી.


