દેશના દરવાજા બંધ થાય તે પહેલા દોડાદોડી...

Thursday 29th April 2021 04:26 EDT
 
 

લંડનઃ ફરજિયાત ૧૦ દિવસના હોટેલ ક્વોરેન્ટાઇનથી બચવા માટે ૨૩ એપ્રિલ, શુક્રવારની સવારે ૪ વાગ્યા પહેલા યુકે આવી જવા માટે ભારતમાં યુકેની ટિકીટ મેળવવા પડાપડી થઇ હતી અને લોકો વાયા ફ્લાઇટ લઇને પણ યુકે પહોંચવા માટે ૭૦૦થી ૧૦૦૦ પાઉન્ડ વધારે આપવા તૈયાર થયાં હોવાં છતાં એક ટિકિટ મેળવવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. એક મહિલાએ શુક્રવાર પહેલા ભારતથી યુકે આવવા એક ટિકિટના ૨૭૦૦ પાઉન્ડ ચૂકવ્યા હોવાના પણ અહેવાલ છે.
કોરોના મહામારીના કારણે ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ કરાયેલી છે પરંતુ, તાકીદના સામાજિક પ્રસંગ, આવશ્યક કામકાજ અથવા અભ્યાસાર્થે જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે વંદે ભારત મિશન અને એર બબલ કરાર હેઠળ ફ્લાઈટ્સ માટે સરકારે એર ઈન્ડિયાને જ પરવાનગી આપી છે. જેનો ગેરલાભ ઉઠાવી વધુ ભાડું પડાવવાની માનસિકતા ખુલ્લી પડી છે. છેક ડીસેમ્બર – જાન્યુઆરીના લોકડાઉન વખતથી ભારત સરકારે યુકેથી આવતી ફ્લાઇટ્સના શેડ્યુલ ૪૦થી ૪૫ ટકા ઓછા કરી દીધા હતા.
યુકે આવતા વિમાનોમાં બેઠકોની અછતને કારણે ભારતથી યુકેની સ્ટાન્ડર્ડ ૪૦૦ પાઉન્ડની ઇકોનોમી ટિકિટના ભાવ ૨,૦૦૦ પાઉન્ડ સુધી પહોંચી ગયા હતા. આસમાને પહોંચેલા ભાવ છતાં, ટિકિટ મળવાની મુશ્કેલી હતી. મોટાભાગના બ્રિટનના ભારતવંશી લોકો પરિવારના સભ્યના અંતિમ સંસ્કાર, લગ્ન કે બિઝનેસના કામ માટે ભારત ગયા હતા. ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકવાની જાહેરાતના પગલે પરત થયેલા લોકોની સંખ્યા વધી જવાથી હિથ્રો એરપોર્ટના બોર્ડર કંટ્રોલ પર બે કલાકની લાંબી લાઇનો લાગી હતા.

ભારતથી આઠ પ્રાઈવેટ જેટ્સ પણ આવ્યા
નવા ટ્રાવેલ પ્રતિબંધની મર્યાદા લાગુ થાય તે અગાઉ ભારતથી ઓછામાં ઓછાં આઠ પ્રાઈવેટ જેટ્સમાં સુપરરિચ લોકો હજારો પાઉન્ડ ખર્ચીને બ્રિટન પહોંચ્યા હતા. ધ ટાઈમ્સના એનાલિસીસ મુજબ મુંબઈથી ઉપડેલું ૧૩ બેઠકનું બોમ્બાર્ડિઅર ગ્લોબલ ૬૦૦૦ વિમાન શુક્રવારે સવારે ૪.૦૦ કલાકે પ્રતિબંધ લાગુ થવાની ૪૫ મિનિટ અગાઉ લૂટન એરપોર્ટ પહોંચ્યું હતું. આ ઉપરાંત, અન્ય ત્રણ વિમાનો પણ સમયમર્યાદા અગાઉ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. નવ કલાકની ફ્લાઈટ માટે ચાર્ટર કરાયેલા વિમાનોને ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ચૂકવાઈ હશે.
એરલાઈન્સોએ હીથ્રો એરપોર્ટ પર સમયમર્યાદા અગાઉ ઉતરાણ કરવા આઠ એકસ્ટ્રા ફ્લાઈટ્સ માટે પરવાનગી માગી હતી પરંતુ, બોર્ડર પર ભારણ વધી ન જાય તે માટે એરપોર્ટે તેનો ઈનકાર કર્યો હતો. જોકે, લોકોએ નિયંત્રણો લાગુ થાય તે અગાઉ બ્રિટન પહોંચી જવા ખાનગી જેટ્સને ચાર્ટર કરવાની યોજના અપનાવી હતી. ખાનગી વિમાન ઉડ્ડયનો માટે સૌથી વ્યસ્ત લૂટન એરપોર્ટ પર શુકર્વારની સમયમર્યાદાના ૨૪ કલાક પહેલા મુંબઈથી ચાર. દિલ્હીથી ત્રણ અને અમદાવાદથી એક સહિત કુલ આઠ એક્ઝિક્યુટિવ જેટ વિમાનોએ ઉતરાણ કર્યું હતું. આ ઉપરાંત, ભારતીય એરલાઈન વિસ્તારાનું બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર જેટ હીથ્રો એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter