લંડનઃ વિવાદાસ્પદ કોમ્પ્યુટર સિસ્ટમના કારણે નાના ગામોમાં પોસ્ટ ઓફિસ ચલાવતા ૧૦૦થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સ સામે છેતરપીંડીના ખોટાં આરોપો લગાવાયાં છે, કેટલાક કિસ્સામાં તેમને જેલની સજા પણ કરાઈ છે અને કેટલાકને નાદારી નોંધાવવી પડી હતી. એક કેસમાં તો આત્મહત્યા કરાયાની શંકા છે. ઉલ્લેખનીય છે કે સબ-પોસ્ટ ઓફિસ ચલાવનારામાં એશિયનો અને વિશેષતઃ ભારતીયોની મોટી સંખ્યા છે. તેમણે બિઝનેસ, પ્રતિષ્ઠા અને નિર્વાહનું સાધન ગુમાવવાં પડ્યાં છે.
સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસોમાં કરાતા નાણાકીય વ્યવહારોને નોંધવા આઈટી સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે. સિસ્ટમમાં ખામીઓના કારણે અયોગ્યપણે હકાલપટ્ટી કરાયાની ફરિયાદો સબ-પોસ્ટમાસ્ટર્સ દ્વારા કરાયાના પગલે સાંસદોએ ૨૦૧૨માં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે જૂન મહિનામાં સાંસદોને આશ્વાસન આપ્યું હતું કે સ્વતંત્ર રિપોર્ટ મુજબ ૧૧,૫૦૦ પોસ્ટ ઓફિસોમાં ઉપયોગમાં લેવાતા હોરાઈઝન આઈટી સોફ્ટવેરમાં ખામી હોવાના કોઈ પુરાવા નથી. જોકે, હવે આ રિપોર્ટના આલેખકોએ જ મિનિસ્ટર્સને ફરિયાદ કરી છે કે તેમના તારણોની ગેરરજૂઆત થઈ છે.
સિસ્ટમમાં મોટી સંખ્યામાં રકમની તૂટ પડતી હોવાનું નોંધાતું હતુ, જેનો ખુલાસો સબ-પોસ્ટમાસ્ટર્સ કરી શકતાં ન હતાં. આવી ખાધ શા માટે પડે છે તેના કારણ શોધ્યા વિના જ કાનૂની કાર્યવાહી આરંભી હોવાના સ્વતંત્ર તપાસકારોના તારણોને પોસ્ટ ઓફિસે ફગાવ્યા હતા. પાર્લામેન્ટમાં આ મુદ્દે અભિયાનમાં અગ્રેસર કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્ર્યુ બ્રિજેને કહ્યું હતું કે, પોસ્ટ ઓફિસ તેની સિસ્ટમમાં કોઈ ખામી ન હોવાનું કહે છે, પરંતુ સ્વતંત્ર તપાસકારોએ મિનિસ્ટર્સને લખેલા પત્રમાં આનું ખંડન કરેલું છે. પોસ્ટ ઓફિસે પોતાના પુરાવા સોલિસિટર ફર્મને આપવા જોઈએ તેવી માગણી તેમણે કરી હતી.