દેશની ચેરિટી સંસ્થાઓ ભાંગી પડવાના આરે

Tuesday 07th April 2020 01:11 EDT
 
 

લંડનઃ યુકેની ચેરિટી સંસ્થાઓની આવક રાતોરાત બંધ થઈ ગઈ છે. કોરોના વાઈરસની અસર ૨૦૦૮ની નાણાકીય કટોકટી કરતાં પણ ૧૦૦ ગણી ખરાબ પૂરવાર થઈ છે. સંસ્થાઓના વડાઓએ ૪૦ બિલિયન પાઉન્ડના નુકસાનની આગાહી કરી છે. આવા સંજોગોમાં ચાન્સેલર રિશિ સુનાક તેમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા મદદની જાહેરાત કરે તેવી શક્યતા છે. ફર્સ્ટ એઈડ ચેરિટી સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ દ્વારા જણાવાયું છે કે તે ઓગસ્ટ મહિનામાં નાદાર થઈ શકે છે.

કોરોના વાઈરસ કટોકટીના કારણે બંધ થવાની હાલતમાં આવેલી ચેરિટી સંસ્થાઓ માટે ચાન્સેલર રિશિ સુનાક મદદની જાહેરાત કરે તેવી શક્યતા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાંના કારણે ચેરિટી શોપ્સ તેમજ લંડન મેરેથોન સહિત સ્પોન્સર્ડ કાર્યક્રમો બંધ થયા છે. આના પરિણામે, રાતોરાત આવક બંધ થઈ છે. ચેરિટી સેક્ટરના વડાઓએ ૪૦ બિલિયન પાઉન્ડના નુકસાનની આગાહી કરી છે. ફર્સ્ટ એઈડ ચેરિટી સંસ્થા સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ કોરોના કટોકટીમાં NHSને મદદ કરી રહી છે પરંતુ, સરકારની મદદ વિના ભંડોળ ખાલી થવા સાથે ઓગસ્ટ મહિના પછી કામ કરી ન શકે તેવી હાલત છે.  આ પછી તેણે કરજ લેવું પડશે.

ધ નેશનલ કાઉન્સિલ ફોર વોલન્ટરી ઓર્ગેનાઈઝેશન્સ (NCVO)ના વડાઓના જણાવ્યા મુજબ ૨૦૦૮ની નાણાકીય કટોકટી કરતાં પણ કોવિડ-૧૯ની અસર ૧૦૦ ગણી ખરાબ પૂરવાર થઈ છે. સંસ્થાઓને મદદની દરખાસ્તોમાં ચેરિટીઝને ભંડોળની જગ્યાને તેના પરના અંકુશના પગલાં હળવાં બનાવાય તો મુશ્કેલી ઘટેનો સમાવેશ કરાયો છે. સંસ્થાના કર્મચારીઓ કોરોના કટોકટીના કારણે કામ કરી રહ્યા નથી ત્યારે તેમના વેતન ક્લેઈમ કરી શકાય તેવો વિકલ્પ પણ મૂકાયો છે.

ચિલ્ડ્રન્સ ચેરિટી બર્નાડોએ તેના ૨૫૦૦ કર્મચારીને લાંબી રજાઓ આપી છે. Oxfamને યુકેમાં તેની ૬૦૦ ચેરિટી શોફ બંધ કરવાની ફરજ પડી છે જેણે ગયા વર્ષે ૧૭.૩ મિલિયન પાઉન્ડની કમાણી મેળવી હતી. કેન્સર રીસર્ચ યુકેને પણ ૬૦૦ સ્ટોર્સ બંધ કરવા સાથે દાનમાં ૨૫ ટકાની ઘટ પડશે. આમ થવા સાથે કેન્સર સંશોધનને પણ અસર થશે. નોહઝ આર્ક ચિલ્ડ્રન્સ હોસ્પિસ સહિતની અનેક ચેરિટી સંસ્થાઓ પણ આવક અને ભંડોળની સમસ્યા અનુભવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter