દેશની યુનિવર્સિટીઓમાં રંગભેદ શરમજનક ગણાવતા કેમરન

Tuesday 02nd February 2016 10:29 EST
 
 

લંડનઃ ઉચ્ચ યુનિવર્સિટીઓમાં દેશ માટે શરમજનક રંગ-વંશભેદ પ્રવર્તતો હોવાની વડા પ્રધાન ડેવિડ કેમરનની ટીપ્પણીથી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં રોષ ફેલાયો છે. કેમરને લશ્કરી દળો, મોટા બિઝનેસીસ અને યુનિવર્સિટીઓમાં સંસ્થાગત વલણ ઘર કરી ગયું હોવાનો આક્ષેપ લગાવી કહ્યું હતું કે આના કારણે લોકો તેનાથી દૂર રહેવું પસંદ કરે છે. અસમાનતા દૂર કરવાના પ્રયાસમાં પોલીસ, મિલિટરી અને કોર્ટ્સમાં સમીક્ષા હાથ ધરવામાં આવનાર છે.

વડા પ્રધાને કહ્યું હતું કે યુનિવર્સિટીઓએ વંશીય લઘુમતી અરજદારોને અપાતા પ્રવેશનું પ્રમાણ જાહેર કરવું જોઈએ, જેથી પ્રવેશ વ્યાપક બનાવવાની તેમને ફરજ પડે. તેમણે ક્વોટાને અયોગ્ય અને અન્યાયી ઉકેલ ગણાવી કહ્યું હતું કે ૨૦૧૪માં ઓક્સફર્ડમાં અપાયેલા ૨,૫૦૦થી વધુ પ્રવેશમાં બ્લેક વિદ્યાર્થી માત્ર ૨૭ હતા. જોકે, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્લેક વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ અરજીઓને જોખમમાં મૂકવાનો કેમરન પર વળતો આક્ષેપ લગાવ્યો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પણ જાતિ-રંગભેદના આક્ષેપો ફગાવ્યા હતા.

બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે અશ્વેત યુવાનોની સંખ્યા ઉચ્ચ યુનિવર્સિટીઓના બદલે જેલોમાં શા માટે વધુ હોય છે તે મુદ્દો ચર્ચવા એજ્યુકેશન વડાઓને બોલાવ્યા હતા. બીજી તરફ, જસ્ટિસ સિસ્ટમમાં ભેદભાવની સમીક્ષા કરવા લેબર સાંસદ ડેવિડ લેમીને જણાવાયું છે. શ્વેત અપરાધીઓની સરખામણીએ અશ્વેત અપરાધીઓ જેલમાં મોકલાવાનું પ્રમાણ શાથી વધુ રહે છે તે મુદ્દો કેન્દ્રસ્થાને છે. કેમરને કહ્યું હતું કે આપણા લશ્કરી દળોમાં કોઈ બ્લેક જનરલ નથી અને FTSE 100 કંપનીઓમાં માત્ર ચાર ટકા ચીફ એક્ઝીક્યુટિવ્ઝ વંશીય લઘુમતીના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter