લંડનઃ દેશભરમાં નાઇફ ક્રાઇમમાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર કોરોના મહામારી પછી ચાકુની અણીએ સ્માર્ટ ફોન લૂટી લેવા અને હિંસક લૂટફાટની ઘટનાઓમાં 47 ટકાનો વધારો નોંધાયો છે.
જાન્યુઆરી 2013થી ડિસેમ્બર 2023 વચ્ચેના સમયગાળામાં ગેંગ વાયોલન્સ, ડ્રગ્સના વેચાણ અને ઘરેલુ હિંસા જેવા મામલાઓમાં છરી અથવા ધારદાર શસ્ત્રો દ્વારા 2574 લોકોના મોત નિપજાવવામાં આવ્યાં હતાં. તેનો અર્થ એ થયો કે છૂરાબાજીમાં દર વર્ષે 230 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.
નાઇફ ક્રાઇમમાં વધારા માટે ગરીબી, યૂથ સર્વિસ માટેની આર્થિક સહાયમાં 1 બિલિયન પાઉન્ડનો ઘટાડો, ચાકુ અને છરાના ઓનલાઇન વેચાણમાં વધારો, યુવાઓમાં બેરોજગારી જવાબદાર પરિબળો છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છરીની અણીએ લૂટફાટની ઘટનાઓમાં છેલ્લા એક વર્ષમાં 11 ટકાનો વધારો નોંધાયો હતો. 2021થી અત્યાર સુધીમાં આ પ્રકારના અપરાધોમાં 47 ટકાનો વધારો નોંધાઇ ચૂક્યો છે.
નાઇફ ક્રાઇમમાં મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ શ્વેત લોકો હતા. 2013થી 2023 વચ્ચે થયેલા કુલ મોતમાં 63 ટકા શ્વેત લોકોના મોત થયાં હતાં. જેની સામે લંડનમાં વર્ષ 2023માં 53 ટકા અશ્વેત લોકો સ્ટેબિંગનો ભોગ બન્યાં હતાં. અપરાધોમાં સામેલ અશ્વેત લોકોની સંખ્યા 45 ટકા રહી હતી. લંડનમાં અશ્વેત લોકોની વસતી 13.5 ટકા જ છે. અશ્વેત યુવાઓમાં છરા સાથે લઇને ફરવાનું ચલણ વધુ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં લંડનમાં છૂરાબાજીમાં માર્યા ગયેલાઓમાં 60 ટકા સગીરોનો સમાવેશ થાય છે.


