લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કેમિલાની તાજપોશીની ઉજવણીમાં વીક એન્ડ દરમિયાન સમગ્ર યુકે હિલોળે ચડ્યું હતું. સમગ્ર દેશમાં હજારો પીકનીક અને સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં બિગ લંચની પરંપરા છે જેમાં પાડોશીઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ થાય છે. કિંગ ચાર્લ્સની તાજપોશીને વધાવી લેવા સામુદાયિક મેળાવડાઓમાં બિગ લંચનું આયોજન કરાયું હતું. કિંગ ચાર્લ્સના ભાઇ ડ્યુક ઓફ એડિનબરો પ્રિન્સ એડવર્ડ ક્રેનલે ખાતે અને પ્રિન્સેસ રોયલ એન સ્વિન્ડન ખાતે તેમના જીવનસાથી સાથે બિગ લંચમાં જોડાયાં હતાં. પ્રિન્સ એન્ડ્રુની દીકરીઓ પ્રિન્સેસ બીટ્રિસ અને પ્રિન્સેસ યુજિને વિન્ડસર ખાતે બિગ લંચમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન રિશી સુનાકે તેમની ઓફિસ સામે બિગ લંચનું આયોજન કર્યું હતું જેમાં અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડેન અને તેમની પૌત્રી ફિનગેન બાઇડેન સામેલ થયાં હતાં.


