લંડનઃ કેર સ્ટાર્મરની લેબર સરકારે રૂફટોપ રિવોલ્યૂશન માટેની યોજના જાહેર કરી છે. તે અંતર્ગત લાખો મકાનોમાં સોલર પેનલો બેસાડવામાં આવશે જેના પગલે ઘરેલુ વીજળીના બિલ ઘટાડી શકાશે અને ક્લાઇમેટ ક્રાઇસિસ પણ નિયંત્રિત કરી શકાશે. એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 3 મોટા સોલર ફાર્મ તૈયાર કરવાને પણ મંજૂરી આપી દીધી છે. અગાઉની સુનાક સરકારે આ યોજના સ્થગિત કરી દીધી હતી. લિન્કનશાયરના ગેટ બર્ટન, સફોક-કેમ્બ્રિજશાયરની સરહદ પર અને લિન્કનશાયર અને રૂટલેન્ડની સરહદ પર આ સોલર ફાર્મ તૈયાર કરાશે.
લેબર સરકારે સરકારી માલિકીની એનર્જી કંપની ગ્રેટ બ્રિટન એનર્જીની રચના માટે સંસદમાં કાયદો ઘડવાની પણ તૈયારી કરી રહી છે. સરકાર નવી બનનારી ઇમારતોમાં સોલર પેનલો ઇન્સ્ટોલ કરેલી હોય તે માટે બિલ્ડર ઇન્ડસ્ટ્રી સાથે મળીને પણ કામ કરી રહી છે.
એનર્જી સેક્રેટરી મિલિબેન્ડે 2030 સુધીમાં દેશમાં સોલર પાવરની પ્રમાણ 3 ગણું કરવાનું વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું દેશમાં સોલર રૂફટોપ રિવોલ્યૂશન લાવવા માગુ છું. અમે મકાન માલિકો અને બિલ્ડરોને સોલર પેનલો લગાવવા માટે પ્રોત્સાહિત કરીશું.


