લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન અને લંડનના મેયર બોરિસ જ્હોન્સનની દોસ્તીમાં ‘Brexit’ ખલનાયક બન્યું છે. વડા પ્રધાને ગ્લેમર મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીકાળની દોસ્તીમાં તિરાડ પડી છે. લંડનના મેયરે ઈયુ રેફરન્ડમના મુદ્દે ‘લીવ કેમ્પેઈન’માં જોડાવાનો નિર્ણય કર્યા પછી મિત્રતામાં ઉષ્મા રહી નથી. કેમરને કહ્યું હતું કે,‘બોરિસ સાથે મિત્રતા તો છે, પરંતુ હવે કદાચ એટલા સારા મિત્ર રહ્યા નથી.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો દેશ બ્રેક્ઝિટને સમર્થન આપશે તો પણ તેઓ વડા પ્રધાનપદ છોડવાના નથી.
ડેવિડ કેમરને કબૂલ કર્યું છે કે ઈયુ રેફરન્ડમના મુદ્દે બોરિસ જ્હોન્સન સાથેના ઘર્ષણથી બન્નેના અંગત સંબંધને ભારે નુકસાન પહોંચ્યું છે. ‘લીવ કેમ્પેઈન’ને સમર્થન આપવાનો બોરિસનો નિર્ણય વડા પ્રધાન માટે મોટો ફટકો બન્યો છે કારણકે બોરિસ સાથેની મિત્રતા અને સ્પર્ધા છેક એટન અને ઓક્સફર્ડમાં અભ્યાસકાળથી વણાયેલી છે. તેમણે કહ્યું હતું કે તેઓ જેને ઘણા સારા મિત્ર ગણતા હતા તેની સાથે ‘તર્કબદ્ધ અને વિવેકપૂર્ણ’ ચર્ચાની તેમને આશા હતી.
જોકે, ગ્લેમર મેગેઝિન સાથેના ઈન્ટરવ્યુમાં કેમરને સ્વીકાર્યું હતું કે રાજકીય મતભેદોએ મિત્રતાના બંધનમાં તિરાડ પાડી છે. જ્હોન્સન અને અન્ય ગાઢ સાથી જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે બ્રસેલ્સ સાથે યુકેના ભાવિ સંબંધોની લડાઈમાં વિરોધપક્ષની તરફેણમાં અભિયાન ચલાવવાનું સ્વીકાર્યું તે હતાશાજનક રહ્યું છે. ‘મને લાગે છે કે તેમણે ખોટો નિર્ણય કર્યો છે, પરંતુ તેઓ રાજકારણી છે અને નિર્ણય તેમણે કરવાનો રહે છે.’


